હીરાઉદ્યોગમાં ઉઠમણાનાં દોર શરૂ : 10 કરોડ ચૂકવ્યા વિના કારખાનેદાર ફરાર

કારીગરોનો બે માસનો પગાર માલિકે ચૂકવ્યો નથી 
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 27 : કોરોનાકાળમાં હીરાઉદ્યોગની સ્થિતિ નાજૂક બની છે. હીરાના દલાલો અને વેપારીઓનાં ઉઠમણાંની ઘટના પ્રકાશમાં આવી રહી છે. એવામાં આજે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક કારખાનેદાર બજારમાં લેણદારોનાં અંદાજે રૂા. 10 કરોડનું ચૂકવણું કર્યા વિના ઉઠમણું કરી પલાયન થયો છે. કારખાનામાં કામ કરતાં રત્નકલાકારોએ રત્નકલાકાર સંઘના માધ્યમથી માલિક વિરુદ્ધ બે માસનો પગાર ચૂકવ્યો ન હોવાથી પોલીસમાં ફરિયાદ નોંધાવવા તૈયારીઓ કરી છે.  
રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખભાઈ ગજેરા કહે છે કે, અમારી પાસે શક્તિ ડાયમંડનાં 25 કારીગરો પાછલા બે માસથી પગાર મળ્યો ન હોવાથી ફરિયાદ લઇને આવ્યા હતા. તેઓનો અંદાજે સાડા પાંચ લાખ પગારનું ચૂકવણું કરવાનું બાકી નીકળે છે. કારખાનેદાર ફરાર થયો છે. આ મામલે કારખાનેદારને ઝડપથી હાજર કરવા પોલીસમાં ફરિયાદ કરીશું. તેમ જ આ મામલે સુરત ડાયમંડ ઍસોસિયેશનમાં પણ રજૂઆત કરાશે.  
નોંધવું કે, હીરાના કારખાનેદારે મહિધરપૂરા અને મિનિ બજારમાંથી રફ ડાયમંડની દલાલો મારફત ખરીદી કરી હતી. તેણે વિવિધ વેપારીઓ અને 75થી વધુ કારીગરોને પગાર સહિતના અંદાજે રૂા. 10 કરોડનું ચૂકવણું કરવાનું થાય છે. જે કર્યા વિના માલિક ફરાર થયો છે. કોરાનાકાળમાં પાછલા દિવસોમાં ઉઠમણાંની ઘટનાઓમાં વધારો થયો છે. મુંબઈમાં પણ ગત મહિને હીરાના બે વેપારીઓ ઉઠી જતા સુરત હીરાબજારમાં હડકંપ મચ્યો હતો. સુરતની તાજી ઘટના બાદ તેનાં ઘેરા પ્રત્યાઘાતો હીરાબજારમાં જોવા મળશે તેવી સંભાવના છે.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer