બધા બાળકોને અૉનલાઈન શિક્ષણ મળી રહે માટે શાળાઓએ સ્માર્ટ ફોન, ડૅસ્કટૉપના દાનની અપીલ

મુંબઈ, તા. 27 : કોરોના પ્રકોપને કારણે લૉકડાઉનમાં સપડાયેલી શાળાઓએ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અને તેમને શિક્ષણ મળતું રહે એ માટે મોટા ભાગની શાળાઓએ અૉનલાઈન વર્ગો શરૂ કર્યા છે, પરંતુ રાજ્યના અનેક પરિવારો પાસે સ્માર્ટ ફોન નથી તો ડેસ્કટોપ કે લેપટોપની સુવિધાઓ બહુ ગણતરીના પરિવારો પાસે છે.
મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ અૉફ એજ્યુકેશન રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ (એમએસસીઈઆરટી) દ્વારા તાજેતરમાં કરાયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે રાજ્યમાં 66.4 ટકા પરિવારો પાસે સ્માર્ટ ફોનની સુવિધા નથી. જ્યારે પર્સનલ ડેસ્કટોપ કે લેપટોપ તો માત્ર 0.8 પરિવારો પાસે છે. આવા સંજોગોમાં બધા બાળકોને અૉનલાઈન શિક્ષણ મળી રહે એ માટે સાધન-સંપન્ન વાલીઓને સ્માર્ટફોન કે ડેસ્કટોપ કૉમ્પ્યુટર દાનમાં આપવાની શાળાઓએ અપીલ કરી છે. જે મળતાં તે જરૂરતમંદ વિદ્યાર્થીઓને આપી શકાય.
છેલ્લા ચાર દિવસમાં મુંબઈ, સાયનની ડી. એસ. હાઈ સ્કૂલને 35 સ્માર્ટ ફોન, ચાર ટેબલેટ અને બે લેપટોપ દાનમાં આપવાના વચન અપાયા હતા અને એમાંથી કેટલાક આ સપ્તાહાંતે પ્રાપ્ત પણ કરવામાં આવ્યા હતા.
ધારાવી, ચુનાભટ્ટી અને પ્રતિક્ષા નગરની મરાઠી શાળાઓના વિદ્યાર્થીઓ માટે આવા 300 સાધનોની જરૂર છે.
શિવ શિક્ષણ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે અમે જેમને ઓળખતા હતા તેમને ફોન કર્યા હતા અને અત્યાર સુધી 15 વિદ્યાર્થીઓએ સ્માર્ટફોન કે ડેસ્કટોપ કે ટેબલેટ અપાઈ ચૂક્યા છે. આ સંસ્થા ડી. એસ. સ્કૂલ ચલાવે છે. આ મહિનાના પ્રારંભમાં પુણે જિલ્લા પરિષદે તમામ શિક્ષણાધિકારીઓને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ વપરાયેલા સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, લેપટોપ, ડેસ્કટોપ કે ટેબલેટના દાન મેળવવાની અપીલ કરે.
સતારા જિલ્લાના કરાડ-વડગાંવની હવેલી સ્કૂલના પેરેન્ટસ ઍસોસિયેશનના સભ્યોએ તાજેતરમાં શાળામાં ડોનેશન આપવા સંયુક્ત રીતે 20 ટેબલેટ ખરીદ્યા હતા, જે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા.
આમ અનેક શાળાઓએ સક્ષમ વાલીઓને આ ગેજેટ દાનમાં આપવામાં અપીલ કરી છે. જેથી કોઈ પણ બાળક અૉનલાઈન શિક્ષણથી વંચિત ન રહે.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer