વરસાદે નોંધાવી મુંબઈ અને ઉપનગરમાં હાજરી

સતત બે દિવસ હવામાન ખાતાની આગાહી ખોટી સાબિત થઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27: ગઈ કાલે મોડી રાતથી મેઘરાજાએ તળમુંબઈ અને ઉપનગરમાં જોરદાર હાજરી નોંધાવી હતી. અનેક દિવસોથી મેઘરાજાએ પોરો ખાધો હતો. હવામાન ખાતાએ શનિવાર અને રવિવારે મધ્યમ વરસાદ પડે એવી આગાહી કરી હતી પરંતુ મેઘરાજાએ રીસામણા ચાલુ રાખ્યા હતા. જોકે આજે મે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતો દાદર, પરેલ, સાયન, ઘાટકોપર, કુર્લા, અંધેરી, ગોરેગાંવ અને મલાડમાં મુસળધાર પાણી ભરાયા હતા. મુંબઈ હવામાન ખાતાએ આગામી 24 કલાક તળમુંબઈ અને ઉપનગરમાં મુસળધાર વરસાદ પડવાની આગાહી કરી છે. સવારના સાડા આઠ વાગ્યા સુધીના 24 કલાકમાં કોલાબામાં 60.4 મિલીમીટર (2.4 ઈંચ) અને સાંતાક્રુઝમાં 100.7 મિલીમીટર (4.02 ઈંચ) વરસાદ નોંધાયો હતો. 
સવારના સાડા આઠ વાગ્યાથી રાતના સાડા આઠ વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળામાં કોલાબામાં 53.8 મિલીમીટર (2.1 ઈંચ) અને સાંતાક્રુઝમાં 17.4 (0.7 ઈંચ) મિલીમીટર વરસાદ પડયો હતો. હિંદમાતા પરિસરમાં પાણી ભરાતો ત્યાંનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. સવારનો સમય હોવાથી નોકરીયાતોને ભારે હાલાકી થઈ હતી. ફ્લાયઓવરની નીચેનો રસ્તો બંધ કરાયો હતો. વાશીમાં પણ ટ્રાફિક જામ થયો હતો.
આજે પરોઢિયે 4.40 કલાકે 3.76 મીટરની અને પાંચ વાગ્યે 3.99 મીટરની ભરતી જોવા મળી હતી. આવતી કાલે સવારે 5.50 કલાકે 3.63 મીટરની ભરતી આવશે. શહેરમાં એક જગ્યાએ ભીત તૂટી પડી હતી પરંતુ કોઇને ઇજા થઈ ન હોતી. શહેરમાં આઠ જગ્યાએ વૃક્ષ તૂટી પડયા હતા. શહેરમાં પાંચ જગ્યાએ શોર્ટ સર્કિટના બનાવ બન્યો હતો. આજે સવારે 8.42 કલાકે ચેમ્બુરના પાંજરાપોળમાં ભેળડ તૂટીને બે ઘરના પતરા પર પડી હતી. જોકે ઘરો આગાઉ જ ખાલી કરાવ્યા હોવાથી કોઇને ઇજા થઈ નહોતી. 
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer