મુંબઈમાં કોરોનાનો આંકડો 1.10 લાખને પાર

મુંબઈમાં કોરોનાનો આંકડો 1.10 લાખને પાર
1033 નવા દર્દી મળ્યા અને 1706 સાજા થયા
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 27 : મુંબઈમાં કોરોના કાબુમાં આવતો જાય છે. આજે સતત પાંચમા દિવસે એક હજારથી વધારે કેસ નોંધાયા હતા, પરંતુ સાજા થનાર દર્દીની સંખ્યા 1706ની હતી. મુંબઈમાં સરાસરી વૃદ્ધિદર 1.03 ટકા નોંધાયો છે. કોરોના મુંબઈમાં નિયંત્રણમાં આવી રહ્યો છે એનો બીજો સંકેત ડબલિંગ રેટ છે. ગઈ કાલે દર્દીઓની સંખ્યા બમણી થવાનો દર 67 દિવસ હતો, જે આજે વધીને 68 દિવસ થયો છે. આજે બીજો શુભ સંકેત મળ્યો હતો કે નવા દર્દીની સંખ્યા (1033) કરતાં સાજા થનારા દર્દીની સંખ્યા (1706) હતી.
આજે શહેરમાં કોરોનાના 1033 નવા દર્દી મળ્યા હતા. આજે 39 મરણ નોંધાયાં હતાં. કુલ દર્દીની સંખ્યા 1,10,129 થઈ હતી. મહાનગરમાં કોરોનાએ કુલ 6,129 લોકોનો ભોગ લીધો છે. મૃતકોમાં 23 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારી પણ હતી. 26 જણની વય 60ની ઉપર હતી. 12 દર્દી 40થી 60 વષર્ની વચ્ચેના હતા. એક મૃતકની વય 40 વર્ષથી નીચે હતી. મૃતકોમાં 24 પુરુષ અને 15 દર્દી મહિલા હતા.
મુંબઈમાં મરણાંક 6,129નો થયો છે. આજે 1706 દર્દી સાજા થતા તેમને ઘરે જવાની રજા અપાઈ હતી. કુલ 81,944 દર્દી સાજા થયા છે. મુંબઈમાં રીકવરી રેટ વધીને 73 ટકા થયો છે. 20 જુલાઈથી 26 જુલાઈનો વૃદ્ધિદર 1.03 ટકાનો છે. મુંબઈમાં ડબાલિંગ રેટ 68 દિવસનો છે. મુંબઈમાં 21,812 સક્રિય દર્દી છે. મુંબઈમાં 4,85,563 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 1,10,129  લોકોની ટેસ્ટ પૉઝિટિવ આવી છે.  
રાજ્યમાં કોરોનાની કટોકટી ઘેરી બનતી જાય છે. આજે 7,924 જેટલા નવા દર્દી શોધી કઢાયા હતા. છેલ્લા પાંચ દિવસથી સતત નવ હજારથી વધારે નવા દર્દી મળતા હતા, પરંતુ આજે આઠ હજારથી ઓછા દર્દી મળ્યા હતા. આજે રાજ્યમાં કોરોનાને લીધે 227 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. મરણાંક 13,883 થયો છે. રાજ્યમાં મૃત્યુદર 3.62 ટકા થયો છે. રાજ્યમાં 1,47,592 સક્રિય દર્દી છે. આજે 8,706 દર્દીને રજા અપાઈ હતી. કુલ 2,21,944 દર્દીને રજા અપાઈ છે. રીકવરી રેટ 57.84 ટકા છે. રાજ્યમાં કુલ 3,83,723 દર્દી નોંધાયા છે. 
રાજ્યમાં 9,22,637 લોકો ઘરે ક્વૉરેન્ટાઈન થયા છે. જ્યારે 44,136 લોકો ઈન્સ્ટિટયુશનલ ક્વૉરેન્ટાઈન થયા છે. આજે થાણેમાં 4 અને થાણે પાલિકા 9, કલ્યાણ-ડોંબીવલીમાં 11, મીરા-ભાઈંદરમાં મહાનગરપાલિકા 1 અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 7 મરણ નોંધાયા હતા. રાજ્યમાં 19,25,399 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 3,83,723 ટેસ્ટના પરિણામ પૉઝિટિવ આવ્યા છે. પૉઝિટિવિટી રેટ 19.92 ટકા છે.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer