રિક્ષા અને ટેક્સી ભાડાં વધવાની શક્યતા

રિક્ષા અને ટેક્સી ભાડાં વધવાની શક્યતા
મુંબઈ, તા. 27 : કોરોનાનું સંકટ અને લૉકડાઉનને લીધે મહાનગર ગેસ લિ. (એમજીએલ)એ સીએનજી (કોપ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં વધારો કરવો પડયો છે. આથી મુંબઈમાં હવે સીએનજીનો દર કિલોદીઠ 48.95 રુપિયા થયો છે. પરિણામે આગામી થોડા સમયમાં ઓટોરિક્ષા અને ટેક્સીના ભાડામાં વધારો થવાની શક્યતા છે. 
મુંબઈમાં તમામ ઓટોરિક્ષા સીએનજી પર ચાલે છે. એક કિલો સીએનજીમાં રીક્ષા વધુમાં વધુ પચીસ કિલોમીટર દોડે છે.  તેમાંથી સામાન્ય રીતે 120 રૂપિયા ભાડું મળે છે. હવે કિલોદીઠ એક રુપીયાનો દરવધારો થતાં ખર્ચ વધશે. તેમની રોજની કમાણીમાં 100 રુપિયા સુધીનો ઘટાડો થવાની શક્યતા રિક્ષાચાલકોએ વ્યક્ત કરી છે. લૉકડાઉન દરમિયાન રિક્ષાચાલકોનું મોટું નુકસાન થયું છે. હવે દરવધારાને લીધે વધુ નુકસાન થશે આથી આગામી થોડા સમયમાં ઓટોરીક્ષાનું ભાડું વધુ શકે છે એવું ચાલકોનું કહેવું છે. 
શનિવારે સીએનજીના ભાવમાં વધારો થયા બાદ ટેક્સી યુનિયનોએ પણ શહેરની કાળી-પીળી ટેક્સીના ભાડામાં વધારો કરી લઘુત્તમ ભાડું બાવીસ રુપિયાથી વધારીને પચીસ રુપિયા કરવાની માગણી કરી છે. તેમણે કહ્યું છે કે ડ્રાઈવરો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. મુંબઈ ટેકસીમેન્સ યુનિયનના નેતા એ એલ ક્વોડ્રોસે જણાવ્યું હતું કે ટેક્સી અને રિક્ષામાં વધુ પ્રવાસીઓને બેસાડવાની પરવાનગી પણ તેમણે માગી છે. 
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer