સુશાંત સિંહ રાજપુત કેસ : કંગનાએ હવે આદિત્ય ઠાકરેને અડફેટે લીધો

સુશાંત સિંહ રાજપુત કેસ : કંગનાએ હવે આદિત્ય ઠાકરેને અડફેટે લીધો
મુંબઈ, તા 27 : સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા અંગે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે ત્યારે એના વિસરા રિપોર્ટમાં જણાવાયું છે કે, સુશાંતના શરીરમાં કોઈ પણ પ્રકારનું ઝેર નહોતું. સુશાંતે 14 જૂને એના બાન્દરા સ્થિત ઘરે ફાંસો ખાધો હતો. એ રાતે કરાયેલા પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં સુશાંતના મૃત્યુનું કારણ આત્મહત્યા હોવાનું જણાવ્યું હતું. તો પચીસમી જૂને આવેલા ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, જે પાંચ ડૉક્ટર્સની ટીમે તૈયાર કર્યો હતો એમાં પણ જણાવાયું હતું કે સુશાંતનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી થયું હતું. 
કંગના રનૌત સતત આ મુદ્દે અવાજ ઉઠાવતી રહી છે. હવે તેણે આ મામલે પર્યાવરણ પ્રધાન અને મુખ્યપ્રધાનના પુત્ર આદિત્ય ઠાકરેને ટાર્ગેટ કર્યા છે. કંગના રનૌતની ડિજિટલ ટીમ તેનું ટ્વીટર અકાઉન્ટ ચલાવે છે અને અકાઉન્ટનું નામ પણ ટીમ કંગના રનૌત છે. એના પર કરવામાં આવેલી એક ટ્વીટે બૉલિવુડની સાથે મહારાષ્ટ્રના રાજકારણમાં ઉહાપોહ મચાવી દીધો છે. પહેલા ટ્વીટમાં એણે જણાવ્યું કે, કરણ જોહરના મેનેજરને સમન્સ મોકલવામાં આવ્યું છે પણ કરણને કેમ નહીં? કારણ, એ મુખ્યપ્રધાનના પુત્ર આદિત્ય ઠાકરેના નજીકના મિત્ર છે એટલે? મુંબઈ પોલીસે તપાસમાં ચલાવેલા નિર્લજ્જ નેપોટિઝમને બંધ કરવું જોઇએ. 
મહેશ ભટ્ટનું નિવેદન નોંધવામાં આવ્યું 
સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા પ્રકરણે મુંબઈ પોલીસે જાણીતા દિગ્દર્શક મહેશ ભટ્ટને આજે બપોરે 12 વાગ્યે હાજર થવા સમન્સ મોકલ્યા હતા. સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં મહેશ ભટ્ટની પૂછપરછ કરવામાં આવી હતી. લગભગ બે કલાક સુધી તેમને સુશાંતાસિંહ મામલે પ્રશ્નો પૂછવામાં આવ્યા. મહેશ ભટ્ટને પહેલાં બાન્દ્રા પોલીસ સ્ટેશન જવાનું હતું. પરંતુ ત્યાં ઉપસ્થિત મીડિયાને જોઈ તેમને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં આવવા જણાવાયું હતું. સૂત્રએ આપેલી જાણકારી મુજબ ભટ્ટને સુશાંત અને રિયા ચક્રવર્તીના સંબંધો અંગે તેમજ ફિલ્મો સંબંધી અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. 
ભટ્ટ સિવાય ધર્મા પ્રોડક્શનના સીઇઓ અપૂર્વ મહેતાની પણ ટૂંક સમયમાં પૂછપરછ કરાશે. બોલીવુડની સેલિબ્રિટીઝના જવાબોને પગલે કોણ જૂથબાજી ચલાવી રહ્યું છે એ જાણવામાં સહાયરૂપ બનશે. જરૂર પડશે તો કરણ જોહરની પણ પૂછપરછ કરાશે એમ અનિલ દેશમુખે જણાવ્યું હતું. 
સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ વચ્ચેની મિત્રતા જાણીતી છે. ધંધાદારી અને વ્યક્તિગત બાબતો અંગે હંમેશ મહેશ ભટ્ટની સલાહ લેતી હોવાનું રિયાએ જણાવ્યું હતું. સડક-2 માટે મહેશ ભટ્ટે પહેલાં સુશાંતનો વિચાર કર્યો હતો, પણ પાછળથી આદિત્ય રૉય કપૂર પર પસંદગી ઉતારી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. 
મહેશ ભટ્ટની આસિસ્ટંટ સુહારિતા દાસે સુશાંતની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી. એ પોસ્ટમાં એણે લખ્યું હતું, રિયા એની રિલેશનશિપ અંગે મહેશ ભટ્ટ પાસે સલાહ લેતી હતી, સુહારિતાએ આ પોસ્ટ પાછળથી ડિલીટ કરી હતી.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer