બે જમ્બો કોવિડ સેન્ટર માટે એમએમઆરડીએ પાલિકાને 54 કરોડ રૂપિયાનું બિલ મોકલશે

બે જમ્બો કોવિડ સેન્ટર માટે એમએમઆરડીએ પાલિકાને 54 કરોડ રૂપિયાનું બિલ મોકલશે
મુંબઈ, તા. 27 : બાન્દરા કુર્લા કૉમ્પ્લેક્ષ ખાતે બાંધવામાં આવેલી બે જમ્બો કોવિડ સેન્ટર માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) મુંબઈ મહાપાલિકાને 54 કરોડ રૂપિયાનું બિલ મોકલશે. એમએમઆરડીએએ દાવો કર્યો હતો કે મુંબઈગરાને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનું કામ પાલિકાનું છે, એટલે બે સેન્ટર માટે ખર્ચેલા 54 કરોડ રૂપિયા તેમણે ચુકવવા જોઇએ. 
કોવિડ કેર સેન્ટરના બાંધકામ અંગે વિવાદ થયો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે કોવિડ કેર સેન્ટરના બાંધકામ માટે કૉન્ટ્રક્ટરની નિયુક્તિમાં ગેરરીતિ થઈ છે. પાલિકાના ભાજપના ગ્રુપ લીડર વિનોદ મિશ્રાના નેતૃત્ત્વ હેઠળ એક પ્રતિનિધિ મંડળ રવિવારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને મળ્યું હતું અને વિધાનસભાના આગામી સત્રમાં આ મુદ્દો ઉઠાવવાની માંગણી કરી હતી. 
એમએમઆરડીએને આ પ્રોજેક્ટ ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પ્રોજેક્ટને મંજૂર કરવા પાંચ સભ્યોની કમિટી નીમવામાં આવી હતી, જેમાં પાલિકાની કમિટીનો એક પણ સભ્ય નહોતો. આ પ્રોજેક્ટ આરોગ્ય અંગેનો હોવાથી જાહેર આરોગ્ય સેવાના અધિકારીની નિમણુંક આ કમિટીમાં કરવી જોઇતી હતી. હકીકતમાં તેમણે ખાનગી હોસ્પિટલના માલિકોને કમિટીમાં લીધા હતા પરંતુ પાલિકામાંથી કોઈનો એમાં સમાવેશ કરાયો નહોતો એમ મિશ્રાએ જણાવ્યું હતું. 
જ્યારે એમએમઆરડીએએ દાવો કર્યો હતો કે તેમણે દરેક પ્રક્રિયા માટે નિયમોનું પાલન કર્યુ છે અને એકથી વધુ કંપનીઓ પાસે ક્વૉટેશન મગાવી વર્ક અૉર્ડર જારી કર્યા હતા. એમએમઆરડીએના અધિકારીઓનું કહેવું છે કે ઓછા ભાવના બિડરને વર્ક અૉર્ડર અપાયા છે અને એમાં ક્યાંય ગેરરીતિ થઈ નથી. 
ભાજપના નેતાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એમએમઆરડીએએ દાવો કર્યો છે કે કોવિડ સેન્ટર બંધ થયા બાદ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ તેઓ લઈ ગયા છે, જ્યારે મેડિકલના સાધનો રાજ્ય. સરકારને આપ્યા છે, તો પછી પાલિકાને 54 કરોડ રૂપિયા ચુકવવાનું કેમ કહે છે? 
મિશ્રાએ જણાવ્યું કે પાલિકાએ એમએમઆરડીએને પૈસા ચુકવવા ન જોઇએ. જો રાજ્ય સરકારે જમ્બો સેન્ટર બાંધવાનો કૉન્ટ્રાક્ટ આપ્યો હોય તો પૈસા પણ સરકારે જ ચુકવવા જોઇએ. જો તેઓ ઇચ્છતા હોય કે પાલિકા પૈસા ચુકવે તો તેમણે પાલિકાના અધિકારીઓ કે ડીનને સ્પેશિયલ કમિટીમાં લેવા જોઇએ. બીકેસી ખાતેની ગેરરીતિઓનો મુદ્દો લોકાયુક્ત સમક્ષ છે. એટલે નિર્ણય ન આવે ત્યાં સુધી પાલિકાએ એક પણ રૂપિયો એમએમઆરડીએને ચુકવવો ન જોઇએ. 
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer