સેનેટાઇઝરને કારણે મહિલાએ જીવ ખોયો

સેનેટાઇઝરને કારણે મહિલાએ જીવ ખોયો
નાશિક, તા. 27 : કોરોનાને કારણે લોકો પોતાની સુરક્ષા માટે દરેક ચીજવસ્તુ સેનેટાઇઝ કરતા થઈ ગયા છે. ઘરની સાથે ઘરમાં લવાતી તમામ ચીજો પર સેનેટાઇઝરનો પ્રે કરી કોરોના વાઇરસ મુક્ત કરે છે. પરંતુ જો તેઓ સેનેટાઇઝરના ઉપયોગમા સાવધાની ન રાખે તો એ જીવ બચાવવાને બદલે જીવલેણ પણ બની શકે છે. આવી જ એક આઘાતજનક ઘટના નાશિક ખાતે બની હતી. 
નાશિકના વડાળાગાવ કોરોનાનું હૉટસ્પૉટ હોવાથી ત્યાંના મેહબૂબ નગરમાં રહેતા અને મજૂરીકામ કરતો શાહિદ નિયમીતપણે ઘરને સેનેટાઇઝ કરતો. 20 જુલાઈએ રાતના સમયે લાઇટ ગઈ હોવાથી ઘરમાં મીણબત્તી સળગાવી હતી. એ સમયે શાહિદ ઘરમાં સેનેટાઇઝરનો પ્રે કરી રહ્યો હતો. ત્યારે સેનેટાઇઝર મીણબત્તીના સંપર્કમાં આવતા મોટો ભડકો લીધો અને એણે શાહિદની 24 વર્ષની પત્ની રજાબિયા શેખને ભરડામાં લીધી. આ ઘટનામાં રજાબિયા 90 ટકા દાઝી ગઈ હતી તો શાહિદ પણ જખમી થયો. સ્થાનિક નાગરિકોની સહાયથી રજાબિયાને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં ચાર દિવસ બાદ ડૉક્ટરોએ એને મૃત ઘોષિત કરી હતી. 
ઇન્દિરા નગર પોલીસ સ્ટેશને આ મામલે આકસ્મિક મૃત્યુની નોંધ કરી હતી. કેસની તપાસ પૂરી થઈ છે અને બેદરકારીપૂર્વક સેનેટાઇઝરના ઉપયોગને લીધે દુર્ઘટના થઈ હતી.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer