જળાશયોમાં છે 119 દિવસ ચાલે એટલું પાણી

જળાશયોમાં છે 119 દિવસ ચાલે એટલું પાણી
મુંબઈગરાના માથા પર ઝળુંબે છે પાણીકાપની તલવાર 
મુંબઈ, તા. 27 : જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો તો પણ પૂરતો વરસાદ ન પડવાને કારણે મુંબઈમાં પીવાના પાણીનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. ગત વર્ષની તુલનામાં મુંબઈને પાણી પુરવઠો કરનારા તળાવોમાં 30 ટકા કરતાં ઓછું પાણી બચ્યું છે. તેથી મુંબઈગરા પર પાણીકપાતની તલવાર લટકી રહી હોવાનું મહાપાલિકાએ સ્પષ્ટ જણાવ્યું છે. જળાશયોમાં 4,60,343 મિલિયન લિટર પાણી છે જે 119 દિબસ ચાલે એટલું છે. આની સરખામણીમાં 27 જુલાઈ 2019માં 261 દિવસ ચાલે એટલું અને 27 જુલાઈ 2018માં 312 દિવસ ચાલે એટલું પાણી હતું. `આ અઠવાડિયે જોરદાર વરસાદ ન પડે તો પાણીકપાતનો વિચાર કરવો પડશે' એવું પ્રશાસને જણાવ્યું છે. 
મુંબઈમાં જૂન મહિનામાં અપેક્ષિત વરસાદ ન પડે તો પણ જુલાઈ અને ઓગસ્ટમાં જોરદાર વરસાદથી સરેરાશ જળવાઈ રહે છે. તેમાંથી 50 ટકાથી વધુ વરસાદ જુલાઈમાં પડે છે અને મુંબઈને પાણીપુરવઠો કરનારા ત્રણથી ચાર તળાવ ભરાઈ જાય છે. તેથી મુંબઈગરાને આખું વર્ષ પાણીની ચિંતા રહેતી નથી. આ વખતે જૂન અને જુલાઈ આ બંને મહિનામાં વરસાદે સાથ ન આપતાં પાણીપુરવઠાનો પ્રશ્ન મુશ્કેલ બની રહ્યો છે. તળાવોમાં સોમવાર, 27મી જુલાઈએ 4,60,343 એમએલડી પાણીનો જથ્થો હતો. ગયા વર્ષે આ જ દિવસે તળાવોમાં 10,07,623 એમએલડી પાણી હતું. તો વર્ષ 2018માં આ દિવસે 12,03,661 એમએલડી પાણી જમા હતું. આમ તળાવોમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે કુલ 5,00,000 એમેલડીથી વધુ એટલે કે ચાર મહિનાનો પાણીનો જથ્થો ઓછો છે. આથી પાણીકપાતનો વિચાર કરવો પડશે એવું મહાપાલિકાના ચીફ વોટર એન્જાનિયર અજય રાઠોડે જણાવ્યું હતું. 
મુંબઈને અપર વૈતરણા, મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ સાત તળાવોમાંથી રોજ 3,850 એમએલડી જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. ચોમાસુ પૂરું થયા બાદ એટલે કે 31 ઓક્ટોબરે આગામી વર્ષ માટે તળાવોમાં 14,47,363 એમએલડી પાણીનો જથ્થો હોવા જરુરી છે. તો પાલિકા પાણીકપાત કર્યા વગર પુરવઠો કરી શકે છે. ગયા વર્ષે આ તળાવોમાંથી ચાર તળાવ જુલાઈમાં, બે તળાવ ઓગસ્ટમાં ભરાયાં હતા. તુલસી તળાવ 12મી જુલાઈ, તાનસા 25મી જુલાઈ, મોડકસાગર 26 જુલાઈ, વિહાર 31 જુલાઈ, મધ્ય વૈતરણા 25 ઓગસ્ટ અને અપર વૈતરણા 31 ઓગસ્ભટે ભરાયાં હતા. તો ભાતસા પૂરું ભરાયું નહોતું.
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer