કેન્દ્ર ચેપી રોગની સારવારની કાયમી હૉસ્પિટલ સ્થાપવામાં મદદ કરે : ઉદ્ધવ ઠાકરે

કેન્દ્ર ચેપી રોગની સારવારની કાયમી હૉસ્પિટલ સ્થાપવામાં મદદ કરે : ઉદ્ધવ ઠાકરે
મુંબઇ, તા. 27 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઈ નજીક ચેપી રોગોની સારવાર માટેની કાયમી હોસ્પિટલ અને ચેપી રોગોને નાથવાના સંશોધનો માટે અત્યાધૂનિક લેબોરેટરી સ્થાપવા માટે કેન્દ્રની મદદ માગી હતી. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે દિલ્હી નજીક નોઈડા, મુંબઇ અને કોલકાતામાં કોરોનાના પરીક્ષણ સુવિધાઓ માટેની આધુનિક લેબોરેટરીના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પ્રસંગે વાતચીતમાં ઠાકરેએ આ માંગ આગળ ધપાવી હતી. 
 આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી દિત્યનાથ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિડીયો કોન્ફરન્સ દ્વારા પોતાના રાજ્યોમાં આ ઉદ્ઘાટનમાં જોડાયા હતા. વડા પ્રધાન સાથે વિડિયો કોન્ફરન્સિગમાં ઠાકરેએ કહ્યું હતું કે, હું મુંબઇ શહેર નજીક કાયમી ચેપી રોગની સારવાર માટેની હોસ્પિટલ ઉભી કરવા માંગુ છું, જ્યાં લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવશે અને સાથે સાથે સંશોધન પણ હાથ ધરવામાં આવે એવી અત્યાધૂનિક લેબોરેટરી ઉભી કરવામાં આવે. આ યોજના માટે કેન્દ્ર અને વડા પ્રધાનનો ટેકો અને સહાયની જરૂર છે. 
ઠાકરેએ કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા માટે કેન્દ્ર તરફથી રાજ્યને થઇ રહેલી પીપીઇ (પર્સનલ રક્ષણાત્મક સાધનો) કીટ અને એન-95 માસ્કની સપ્લાયમાં વધારો કરવાની માંગ પણ કરી હતી. હાલના ધારાધોરણ મુજબ, રાજ્યમાં કોરોના વાયરસ સામેની લડતમાં રાજ્યોને પી.પી.ઇ કીટ અને એન-95 માસ્ક પૂરા પાડવાનો કેન્દ્રનો આદેશ માત્ર સપ્ટેમ્બર સુધી છે.  અમે કોરોના વાયરસના સંકટ સાથે જીવવાનો અને જીતવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ આ છેલ્લો વાયરસ નથી. આગામી સમયમાં વિશ્વમાં અન્ય વાયરસના સંભવિત ફેલાવાના સંકેત મળ્યા છે, પરંતુ આપણે સાવધ રહેવાનું છે. 
આઇસીએમઆર દ્વારા નોઈડામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચ, મુંબઈમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન રિપ્રોડક્ટિવ હેલ્થ અને કોલકાતામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેરા એન્ડ એન્ટરિક ડિસીઝિસ સંસ્થાઓમાં આ ત્રણ હાઈટેક પરીક્ષણ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વડા પ્રધાનના હાથે આજે આ સુવિધાઓને વિડિયો કોન્ફરન્સિગથી ખુલ્લી મુકાઇ હતી. 
Published on: Tue, 28 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer