દયાબેન નથી તો પણ સિરિયલ ચાલે જ છે : આસિતકુમાર મોદી

દયાબેન નથી તો પણ સિરિયલ ચાલે જ છે : આસિતકુમાર મોદી
ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં પાત્રો ઘરઘરમાં જાણીતા બની ગયાં છે એટલું જ નહીં પરંતુ તેના ઉદાહરણો પણ રોજીંદા જીવનમાં આપવામાં આવે છે. આમાં દયાબેનની ભૂમિકા ભજવતી અભિનેત્રી દિશા વાકાણી પ્રસુતિ બાદ પાછી જોવા મળી નથી. આથી છેલ્લા થોડા મહિનાઓથી દયા સિરિયલમાં પાછી કયારે આવશે તેની ચર્ચા ચાલે છે. જોકે, આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકતાં નિર્માતા આસિતકુમાર મોદીએ હવે મૌન તોડયું છે. 
લોકપ્રિયતાના શિખરે બિરાજતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલને 28 જુલાઇએ બાર વર્ષ પૂરા થયા છે. આ નિમિત્તે આસિતકુમારે દિશાના પુનરાગમન બાબતે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગોકુલધામના જેઠાલાલ, ચંપકલાલ, ભીડેમાસ્ટર, પત્રકાર પોપટલાલ, ડૉ. હાથી. સોઢી, ઐય્યર, બબિતા, ટપુ જેવા પાત્રો આજે દર્શકોના કુટુંબનો હિસ્સો બની ગયા છે. પરંતુ સિરિયલ કોઇ એક કલાકારને લીધે સફળ થતી નથી. સફળતા પાછળ સંપૂર્ણ ટીમની કામગીરી હોય છે. અમે દિશાને પાછી આવવા માટે અનેક વાર કહેવડાવ્યું છે. પરંતુ તેણે હજુ સુધી પ્રત્યુત્તર આપ્યો નથી. જો તે આવવા માગે તો અમે તેનું સ્વાગત કરવા તૈયાર છીએ પરંતુ જો ન આવી તો તેના વગર પણ સિરિયલ ચાલે જ છે. છેલ્લા બે-અઢી વર્ષથી તેની ખોટ સાલ્યા વગર પણ સિરિયલ ચાલુ  જ છે. 
સરળ શબ્દો, રમૂજ અને લાગણીઓની ગૂંથણી એ તારક મહેતાના લખાણની ખાસિયત છે. આથી જ છેલ્લા બાર વર્ષથી સિરિયલ લોકપ્રિયતાના દરેક માપદંડ પર પાર ઉતરી છે. આસિતકુમારે ઉમેર્યું હતું કે, બાર વર્ષ અગાઉ કલાકારોની પસંદગી કરવાની હતી ત્યારે મારો એક જ આગ્રહ હતો કે સંબંધિત કલાકારે સિરિયલ માટે વધુમાં વધુ સમય આપવો પડશે. દિલીપ જોશી સાથે મેં અગાઉ પણ કામ કર્યું હતું પરંતુ બાકીના બધા મારા માટે નવા હતા. ઐય્યરની ભૂમિકા ભજવનાર તનુજ મહાશબ્દે અમારે ત્યાં લેખક તરીકે આવ્યા હતા. પણ તેમને જોઇને અમે ઐય્યરનું પાત્ર ભજવવા આપ્યું. સિરિયલના મોટા ભાગના કલાકારો રંગભૂમિના છે. અમિત ભટ્ટ, દિશા વાકાણી, મંદાર ચાંદવડકર, સોનાલિકા જોશી, શ્યામ ચવ્હાણ જેવા કલાકારોનો પાયો રંગભૂમિનો હોવાથી તેમણે સિરિયલને નાટકનું સ્વરૂપ આપીને મનોરંજન કર્યું છે. લૉકડાઉનને લીધે બાર વર્ષમાં પહેલીવાર આટલા લાંબા સમય સુધી સિરિયલનું શાટિંગ બંધ રહ્યું હતું. પરંતુ હવે સુરક્ષાની તમામ તકેદારી સાથે શાટિંગ શરૂ થઇગયું છે. 
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer