500 વિકેટની સિધ્ધિ હાંસલ કરનારો બ્રોડ વિશ્વનો સાતમો બોલર

500 વિકેટની સિધ્ધિ હાંસલ કરનારો બ્રોડ વિશ્વનો સાતમો બોલર
માંચેસ્ટર,  તા. 28 : ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર સ્ટૂઅર્ટ બ્રોડે આજે વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધના ત્રીજા ટેસ્ટના પાંચમા દિવસે એક ખાસ સિધ્ધિ હાંસલ કરી છે. તે 500 વિકેટ લેનારો વિશ્વનો સાતમો બોલર બન્યો છે. બ્રોડે આજે લંચ પહેલા કેરેબિયન બેટસમેન બ્રેથવેટને એલબીડબ્લયૂ આઉટ કરીને તેની 500મી વિકેટ લીધી હતી. આ આંકડે પહોંચનારો તે જેમ્સ એન્ડરસન પછીનો ઇંગ્લેન્ડનો બીજો બોલર છે. 
ડિસેમ્બર 2007માં શ્રીલંકા વિરૂધ્ધ ટેસ્ટ પદાપર્ણ કરનાર 34 વર્ષીય સ્ટૂઅર્ટ બ્રોડે તેની કારકિર્દીના 140મા ટેસ્ટમાં 500 વિકેટની સિધ્ધિ હાંસલ કરી છે. તે કુલ 18 વખત 5 વિકેટ અને મેચમાં 10 વિકેટ બે વખત લઇ ચૂકયો છે.
500 વિકેટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની સૂચિમાં બ્રોડ હવે સાતમા સ્થાને આવી ગયો છે. પહેલા સ્થાને શ્રીલંકાનો મહાન સ્પિનર મુથૈયા મુરલીધરન 800 વિકેટ સાથે છે. આ પછી ઓસ્ટ્રેલિયાનો શેન વોર્ન 708 વિકેટ, ભારતનો અનિલ કુંબલે 619 વિકેટ, ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન 589 વિકેટ, ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેકગ્રા 563 વિકેટ, વેસ્ટ ઇન્ડિઝનો કર્ટની વોલ્શ 519 વિકેટ અને હવે સાતમા સ્થાને સ્ટૂઅર્ટ બ્રોડ 500 વિકેટ સાથે છે.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer