ઈન્સ્ટાગ્રામ પર સાત કરોડ ફોલોઅર્સ ધરાવતો વિરાટ કોહલી પહેલો ભારતીય

ઈન્સ્ટાગ્રામ પર સાત કરોડ ફોલોઅર્સ ધરાવતો વિરાટ કોહલી પહેલો ભારતીય
વિશ્વના ખેલાડીઓની સૂચિમાં ચોથા સ્થાને પહોંચ્યો
નવી દિલ્હી, તા. 28 : ટીમ ઇન્ડિયાનો કેપ્ટન અને વર્લ્ડ નંબર વન બેટસમેન વિરાટ કોહલી ઇંસ્ટાગ્રામ પર સાત કરોડ ફોલોઅર્સ ધરાવતો પહેલો ભારતીય બન્યો છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાં વિશ્વમાં ચોથા ક્રમે છે. તેનાથી આગળ ફકત ત્રણ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, લિયોનલ મેસ્સી અને નેમાર છે. કોહલીએ આ સૂચિમાં 6.9 કરોડ ફોલોઅર્સ ધરાવતા અમેરિકી બાસ્કેટ બોલ ખેલાડી લેબ્રોન જેમ્સને પાછળ રાખી દીધો છે. 
ફૂટબોલ સ્ટાર રોનાલ્ડોના ઇંસ્ટાગ્રામ પર કુલ 23.2 કરોડ ફોલોઅર્સ છે. બીજા નંબર પર મેસ્સી છે. તેના 16.1 કરોડ ચાહકો છે. જ્યારે બ્રાઝિલના નેમારના ફોલોઅર્સની સંખ્યા 14 કરોડ છે.
ભારતમાં વિરાટ કોહલી (6 કરોડ ફોલોઅર્સ) બાદ બીજા નંબરે બોલિવૂડ-હોલિવૂડ હિરોઇન પ્રિયંકા ચોપરા છે. તેણીના પ.પ કરોડ ફોલોઅર્સ છે. આશ્ચર્યની વાત એ છે કે બોલિવૂડમાં બહુ સફળતા ન મેળવી શકનાર શ્રધ્ધા કપૂરના ઇંસ્ટાગ્રામ પર 5.1 કરોડ ફોલોઅર્સ છે અને ત્રીજા નંબર પર છે. 
ઇંસ્ટાગ્રામના ટોપ ટેન ભારતીયમાં એકમાત્ર ખેલાડી તરીકે વિરાટ કોહલી છે અને તે પણ પહેલા નંબર પર. ઇંસ્ટાગ્રામ પર સ્પોન્સર્ડ પોસ્ટની કમાણીના મામલે પણ કોહલી ભારતમાં પહેલા અને વિશ્વના ખેલાડીઓની લીસ્ટમાં છઠ્ઠા સ્થાને છે. 
ચોથા ક્રમે દીપિકા પાદુકોણે (5.10 કરોડ) છે. આ પછી અનુક્રમે આલિયા ભટ્ટ (4.80), વડાપ્રધાન નરેન્દ્ર મોદી (4.59), જેકલિન ફર્નાન્ડિસ (4.30), અક્ષયકુમાર (4.29), નેહા કક્કડ (4.24) અને કેટરિના કૈફ (4.11 કરોડ).
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer