વેસ્ટ ઇન્ડિઝ સામે ઇંગ્લૅન્ડનો 2-1થી શ્રેણી વિજય

વેસ્ટ ઇન્ડિઝ સામે ઇંગ્લૅન્ડનો 2-1થી શ્રેણી વિજય
ત્રીજી ટેસ્ટમાં 269 રને શાનદાર જીત : વેસ્ટ ઇન્ડિઝનો 129 રનમાં ધબડકો : વોક્સની પાંચ વિકેટ : મૅન અૉફ ધ મૅચ બ્રોડની મૅચમાં કુલ 10 વિકેટ
માંચેસ્ટર, તા.27: કોરોના મહામારી વચ્ચે જૈવિક વાતાવરણમાં આઇસીસીના નવા નિયમ સાથે રમાયેલ વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ગૃહ ટીમ ઇંગ્લેન્ડનો 2-1થી શાનદાર વિજય થયો છે. ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર રમાયેલ ત્રીજા અને અંતિમ ટેસ્ટના આજે આખરી દિવસે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇંગ્લેન્ડની પેસબેટરી સામે નતમસ્તક થઇ હતી અને પૂરી ટીમ લંચ બાદ માત્ર 37.1 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોકસે પ અને સ્ટાર સ્ટૂઅર્ટ બ્રોડે 4 વિકેટ લીધી હતી. મેચમાં કુલ 10 વિકેટ અને 62 રનની નિર્ણાયક ઇનિંગ રમનાર સ્ટૂઅર્ટ બ્રોડ મેન ઓફ ધ મેચ બન્યો હતો.
399 રનના વિજય લક્ષ્યાંક સામે વિન્ડિઝે આજે મેચના આખરી દિવસે બે વિકેટે 10 રને તેનો બીજો દાવ આગળ વધાર્યોં હતો. વરસાદના વિધ્ન વચ્ચે કેરેબિયન ટીમ ઇંગ્લેન્ડના મજબૂત ઝડપી બોલિંગ આક્રમણ સામે ટકી શકી ન હતી અને 37.1 ઓવરમાં જ 129 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. ક્રિસ વોકસે કાતિલ બોલિંગ કરીને 50 રનમાં 5 અને સ્ટૂઅર્ટ બ્રોડે 36 રનમાં 4 વિકેટ લીધી હતી. વિન્ડિઝ તરફથી સૌથી વધુ 31 રન શાઇ હોપે કર્યાં હતા. જયારે બ્રેથવેટે 19, બ્રુકસે 22 અને બ્લેકવૂડે 23 રન બનાવ્યા હતા.
ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પહેલા દાવમાં 369 રન કર્યાં હતા. જવાબમાં કેરેબિયન ટીમ 197માં ડૂલ થઇ હતી. આથી ઇંગ્લેન્ડને 172 રનની મહત્ત્વની સરસાઇ મળી હતી. ઇંગ્લેન્ડે બીજો દાવ 2 વિકેટે226 રને ડિકલેર કર્યોં હતો.
આ શ્રેણી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો હોવાથી આ મેચના વિજયથી ઇંગ્લેન્ડને વધુ 40 પોઇન્ટ મળ્યા છે. શ્રેણીના પહેલા મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો વિજય થયો હતો. આ પછી ઇંગ્લેન્ડે સફળ વાપસી કરીને ઉપરાઉપરી બે મેચ જીતીને શ્રેણી 2-1થી કબજે કરી છે અને વિઝડન ટ્રોફી જીતી લીધી છે.
શ્રેણીની તમામ વિકેટ ઇંગ્લૅન્ડના ફાસ્ટ બૉલરોએ લીધી
ત્રણ મેચની સિરિઝમાં 1912 પછી પહેલીવાર તમામ 50 વિકેટ ઇંગ્લેન્ડના ઝડપી બોલરોએ લીધી છે. ઇંગ્લેન્ડ તરફથી આ શ્રેણીમાં સ્પિનરને એક પણ વિકેટ મળી નથી. ઇંગ્લેન્ડે સ્પિનર તરીકે ડોમેનિક બિઝને રમાડયો હતો. જો કે તે વિકેટથી વંચિત રહ્યો હતો.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer