જીએસટીની બાકીની રકમ રાજ્યોને ચૂકવાઈ ગઈ

મુંબઈ, તા. 28 : કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે રાજ્યોને જીએસટી નુકસાન ભરપાઈનો હિસ્સો આપ્યો છે. આ રકમ 1,65,000 કરોડ રૂપિયા છે અને તેમાંથી માર્ચ મહિના માટે કેન્દ્રએ રાજ્યોને 13,806 કરોડ રૂપિયા આપ્યા હોવાની માહિતી કેન્દ્રીય નાણાં મંત્રાલયે સોમવારે આપી હતી. માર્ચ મહિનાની જીએસટીની આ રકમ સાથે જ 2019-20ના નાણાકીય વર્ષ માટે જીએસટીની તમામ રકમ રાજ્યોને આપી હોવાનું પણ મંત્રાલયે જાહેર કર્યું છે. 
 2019-20ના નાણાંકીય વર્ષ માટે રાજ્યોને આપવામાં આવેલી જીએસટીની કુલ રકમ 1,65,302 કરોડ રૂપિયા છે. કેન્દ્રએ ઉપકર (સેસ) તરીકે 95,444 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. રાજ્યોને જીએસટીની આ રકમ આપવા માટે કેન્દ્રએ નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19ના વર્ષમાં ઉપકર તરીકે એકત્ર કરેલી રકમ વાપરી છે. તે જ રીતે કેન્દ્રએ આઈજીએસટીની 2017-18ની રકમ આપવા માટે કન્સોલિડેટેડ ફંડ અૉફ ઇન્ડિયા નિધિમાંથી 33,412 કરોડ રૂપિયા જીએસટી માટેહસ્તાંતરિત કર્યા છે. 
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer