ઓહ નો! યસ બૅન્કના નફામાં 60 ટકાનું ગાબડું

મુંબઈ, તા. 28 : યસ બેન્કના જૂન 2020 ત્રિમાસિક નફામાં 60.05 ટકાનું ગાબડું પડ્યું છે. જૂન '19 ત્રિમાસિકના રૂ. 113.76 કરોડના નફાની  સરખામણીએ યસ બેન્કે જૂન '20 ત્રિમાસિકમાં માત્ર  રૂ. 45.44 કરોડનો નફો કર્યો છે.  પહેલા ત્રિમાસિક માટેની કુલ જોગવાઈ રૂ. 1087 કરોડની હતી, જેમાં રૂ. 642 કરોડ કોરોના-સંબંધિત જોગવાઈ માટે ફાળવાયા હતાં. ગયા વર્ષના સમાન ગાળામાં બેન્કે રૂ. 1784.1 કરોડની જોગવાઈ કરી હતી. આ ગાળામાં બેન્કને વ્યાજની ચોખ્ખી આવક 16.8 ટકા ઘટીને રૂ. 1908 (રૂ. 2281) કરોડની થઈ છે. વ્યાજનો ચોખ્ખો ગાળો 0.20 ટકા વધીને ત્રણ ટકા થયો હતો. ત્રિમાસિક ધોરણે ગાળો 1.09 ટકા વધ્યો હતો. 
બેન્ક પ્રવક્તાએ કહ્યું કે વ્યાજની ચોખ્ખી આવક વધવાથી અને ઓપરેટીંગ ખર્ચ ઘટવાથી ત્રિમાસિક ધોરણે ઓપરેટીંગ નફો 11 ગણો વધીને રૂ. 1147 કરોડનો નોંધાયો છે. જોકે, વાર્ષિક ધોરણે તે 41 ટકા ઘટ્યો છે.  પ્રવક્તાએ કહ્યું કે કરન્ટ એકાઉન્ટ ડિપોઝિટ્સમાં ત્રિમાસિક ધોરણે 26.4 ટકા અને ટર્મ ડિપોઝિટમાં 12.6 ટકાની વૃદ્ધિ થવાથી ડિપોઝિટ્સમાં ત્રિમાસિક ધોરણે 11.4 ટકાની વૃદ્ધિ થઈને તે રૂ. 1,17,360 કરોડની થઈ છે. પહેલા ત્રિમાસિકમાં કાસા રેશિયો 25.8 ટકાએ રહ્યો હતો. ત્રિમાસિક ગાળા દરમિયાન ગ્રાહકો સુધી પહોંચવાના કાર્યક્મ હાથ ધરવાથી ગ્રાહકોમાં પણ વૃદ્ધિ થઈ છે.  
જૂન ત્રિમાસિકમાં ગ્રોસ નોન-પર્ફામિંગ એસેટ્સ ત્રિમાસિક ધોરણે 16.80 ટકાથી વધીને 17.30 ટકા થઈ છે. ગયા વર્ષના સમાન ગાળામાં તે 5.01 ટકા હતી. ડૂબેલા લેણાંનો ચોખ્ખો રેશિયો ઘટીને 4.96 ટકા થયો હતો.  દરમ્યાન, યસ બેન્કના ફોલો ઓન પબ્લિક ઓફર (એફપીઓ) પછી સ્ટેટ બેન્કનો હિસ્સો ઘટીને 30 ટકા થયો છે. એફપીઓ પહેલાં એસબીઆઈ યસ બેન્કનાં 48.21 ટકા હિસ્સો ધરાવતી હતી.  આ મહિનાની શરૂઆતમાં યસ બેન્કનો એફપીઓ સંસ્થાકીય રોકાણકારોને કારણે 95 ટકા જેટલો ભરાયો હતો. બેન્કના એફપીઓમાં એચએનઆઈ અને રિટેલ રોકાણકારોએ પણ ઓછો રસ દાખવ્યો હતો. 
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer