આ ભાવમાં સોનું-ચાંદી ખરીદો અને ઘટાડે વધુ ખરીદો

ઇબ્રાહિમ પટેલ તરફથી 
મુંબઈ, તા. 28 : અહીંના બુલિયન બજારમાં સોના-ચાંદીમાં ઊંચા ભાવે ધંધો ઘટી જવાથી વેપારીઓ સોનાના સત્તાવાર ભાવ સામે પ્રતિ ઔંસ (31.10348 ગ્રામ) 6 ડોલરનું ડિસ્કાઉન્ટ ઓફર કરતા થયા છે.  એકાદ સપ્તાહ-દસ દિવસ પહેલા  બે ડોલરનું પ્રીમીયમ હતું અને હવે ડિસ્કાઉન્ટ બોલાય છે. 
સ્થાનિક બજારમાં શુક્રવારે ઇબ્જા હાજર ભાવ 10 ગ્રામે રૂ.50,552  હતા. લોકડાઉનને કારણે ભારતભરના 50 ટકા જ્વેલરી સ્ટોર્સ બંધ પડ્યા છે. રીટેલ માંગ નબળી  છે, પણ જવેરીઓને આશા છે કે દિવાળી સમયે નવી માંગ આવશે. સોનાના સૌથી મોટા ગ્રાહક દેશ ચીનમાં પણ ડીસ્કાઉન્ટ 30 ડોલરથી વધીને 37 ડોલર થયું છે કાં ત્યાં વેપાર સાવ ધીમો છે. 
જાગતિક અર્થવ્યવસ્થાઓ નબળી પાડવા સાથે રોકાણકારો સલામત રોકાણના સાધનો શોધતા, બુલિયન બજારમાં પહોચતા સોનાના ભાવ 1900 ડોલર આસપાસ 9 વર્ષની ઓલ ટાઈમ હાઈ નજીક પહોચી ગયા છે. 2011 પછી સતત સાત સપ્તાહ સુધી ભાવ વધ્યા હોય તેવી આ પહેલી ઘટના છે. ચાંદીના ભાવમાં છેલ્લા ચાર દાયકામાં ક્યારેય ન જોવાયો તેવો સાપ્તાહિક ઉછાળો જોવાયો હતો. વિદેશી બેન્કોના ભારતીય બુલિયન સલાહકાર અમીર કોલંબોવાલાએ સપ્ટેમ્બરના અંત સુધીમાં સોનાના ભાવ 2000 ડોલરની ઊંચાઈએ જશે, એવી આગાહી કરી હતી. 
ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતા કહે છે કે સોનાના ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં 30 ટકા વધ્યા હોઈ રોકાણકારોની  વેચવાલી વધી  છે. તેઓ કહે છે કે રોકાણકારો સોનું વેચીને ચાંદી ખરીદવા લાગ્યા છે. રોકાણકારો એવું માનતા થયા છે કે સોનાની તુલનાએ ચાંદીના ભાવ હજી જોઈએ તેટલા વધ્યા નથી. 
બુલિયન એનાલીસ્ટ ભાર્ગવ વૈદ્ય કહે છે કે વિશ્વભરમાં શૂન્ય નજીકના વ્યાજદર રાખવાની સ્પર્ધાનું આ પરિણામ છે. તેઓ કહે છે કે વ્યાજદરો જ્યારે શૂન્ય નજીક હોય ત્યારે સોનામાં આકર્ષણ વધે તે સ્વાભાવિક છે, કારણ કે સોનામાં રોકાણ કરવાથી વ્યાજ ભલે ન મળે પણ વ્યાજ ચુકવવાની જવાબદારીમાંથી પણ તમે મુક્ત થઇ જાવ છે. જગતમાં જ્યારે અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાય ત્યારે સામાન્ય રીતે સોનાના ભાવ વધતા હોવાથી 
રોકાણકારને મોટો નફો છૂટતો હોય છે. તેમણે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવ 60થી 65 હજાર થવાની ધારણા વ્યક્ત કરી હતી. 
કોલંબોવાલા કહે છે કે ચાંદીના ભાવની આગાહી કઠીન છે, તેના માટે કહી શકાય, આભ એ જ મર્યાદા છે. એશિયાના મોટાભાગના દેશોમાં ચાંદીએ નફાનું આવશ્યક માધ્યમ બની ગઈ છે. શનિવારે મુંબઈમાં ચાંદીના હાજર ભાવ કિલો દીઠ રૂ. 61,200 અને સોનાના 10 ગ્રામે રૂ. 50,900 હતા. રોકાણકારોને મારું સૂચન છે કે સોનું પુરપાટ વેગે વધી રહ્યું છે અને વધુ વધવાની સંભાવના છે, માટે વર્તમાન ભાવે સોનાચાંદી ખરીદો અને દરેક ઘટાડે પણ ખરીદો. 
દુર ડીલીવરીનો કોમેકસ ડીસેમ્બર ગોલ્ડ વાયદો પાકતા બેંચમાર્ક વાયદા કરતા વધુ ઉંચે ટ્રેડ થાય છે, આનો અર્થ એ થાય કે બેન્ચમાર્ક સક્રિય વાયદામાં વિક્રમ ઊંચાઈ સર કરવાની ક્ષમ્તા વધી ગઈ છે. આથી એવું પણ લાગી રહ્યું છે કે ડીસેમ્બર વાયદો વહેલો સક્રિય બનીને આગામી દિવસોમાં ઓળીયાં પોઝીશન બેન્ચમાર્ક કરતા પણ વહેલી વધી જાય, આ ધારણાને આધારે જ ગત સપ્તાહે ડીસેમ્બર વાયદો 1927.10 ડોલર બોલાયો હતો. જે સપ્ટેમ્બર 2011ની બેન્ચમાર્ક ઓલ ટાઈમ હાઈ 1923.70 ડોલર કરતા પણ ઉંચે જતો રહ્યો છે. સ્પોટ સોનાના ભાવ 1902 ડોલર જે સપ્ટેમ્બર 2011નાં 1921.17 ડોલર નજીક સરકી ગયો છે. 1980 પછી પહેલી વખત હાજર ચાંદી એકજ સપ્તાહમાં વિક્રમ વધી શનિવારે 22.65 ડોલર બોલાઈ હતી. 
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer