ઈદ સંબંધી નિયંત્રણો હળવા કરવા વિધાનસભ્યો શરદ પવારને મળ્યા

મુંબઈ, તા. 28 : બકરી ઈદ આડે હવે માંડ ત્રણ દિવસ બાકી છે ત્યારે મુસ્લિમ વિધાનસભ્યોનું એક પ્રતિનિધિમંડળ એનસીપીના પ્રમુખ શરદ પવારને મળ્યું હતું અને રાજ્ય સરકાર પશુઓના બલિદાન સહિત આ તહેવારની ઉજવણી માટેના નિયંત્રણોને હળવા કરે એવી અપીલ કરી હતી. વિધાનસભ્યોએ દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા ઈદની ઉજવણી સંદર્ભે બહાર પાડવામાં આવેલી સ્ટાન્ડર્ડ અૉપરાટિંગ પ્રોસિજર અસ્પષ્ટ છે. રાજ્ય સરકારે પશુઓના અૉનલાઇન વેચાણની મંજૂરી આપી હોવા છતાં સ્થાનિક પોલીસ રાજ્ય અને શહેરમાં પશુઓ લઈ જતા વાહનો જપ્ત કરી રહી છે. અનેક ડીલરો અને વેપારીઓએ ફરિયાદ કરી હતી કે તેમના બકરાં લઇ જતા વાહનો મહારાષ્ટ્રની સરહદ પર અથવા શહેરમાં પ્રવેશતા સમયે જપ્ત કરવામાં આવ્યા છે. અખિલ ભારતીય જામિયતે ઉલ કુરેશના પ્રમુખ ગુલરેઝ કુરેશીના જણાવ્યા મુજબ, દહિસર ચેક નાકા પર ઓછામાં ઓછા આવા 40 વાહનો કબજે કરાયા છે.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer