ચંદ્રકાંત પાટીલના નિવેદનનો ફડણવીસે છેદ ઉડાડયો

`રાજ્યના હિતમાં શિવસેના સાથે જવા તૈયાર'
મુંબઈ, તા. 28 : રાજ્યના ફાયદા માટે અમે આજે પણ શિવસેનાની સાથે આવવા તૈયાર છીએ એવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નિવેદનનો છેદ પૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉડાવી દેતા ભાજપમાં પણ મતભેદો હોવાનું સ્પષ્ટ થયું છે. 
પાટીલના નિવેદન વિશે પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું હતું કે, અમે શિવસેનાને આવી કોઈ દરખાસ્ત આપી નથી કે શિવસેના તરફથી આવી કોઈ દરખાસ્ત અમને મળી નથી. હાલમાં રાજ્યમાં સત્તા અંગે અમારી પાર્ટીમાં કોઇ કક્ષાએ કોઈ પણ પ્રકારની ચર્ચા નથી. ફડણવીસે એમ પણ કહ્યું હતું  કે પાર્ટીએ ભવિષ્યમાં સ્વબળે ચૂંટણીઓ લડવાનું નક્કી કર્યું છે. ફડણવીસના આ નિવેદનના કારણે સવાલ ઉભો થયો છે કે શિવસેના સાથે જવાનું નિવેદન ચંદ્રકાંત પાટિલે કયા આધારે આપ્યું હતું. 
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની એમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી સાથે સરખામણી કરતા ફડણવીસે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન માટે વીડિયો કોન્ફરન્સિગ અથવા ઇ-ભૂમિ પૂજનની પસંદગી કરવાની માંગ બંને નેતાઓએ કરી છે. ફડણવીસે કહ્યું કે, રામમંદિરનું ભૂમિ પૂજન યોજના મુજબ થશે અને અમે વિવિધ સ્થળોએ ઉત્સવની ઉજવણી કરીશું.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer