કોરોનાના દર્દીઓનાં નામ જાહેર કરવાથી ક્યો હેતુ સરશે : બૉમ્બે હાઇકોર્ટ

કોરોનાના દર્દીઓનાં નામ જાહેર કરવાથી ક્યો હેતુ સરશે : બૉમ્બે હાઇકોર્ટ
મુંબઈ, તા. 28 : કોરોના પોઝિટવના નામો જાહેર કરવાથી સમાજમાં તેમની બદનામી થશે અને એ જોખમી હોવાનું બૉમ્બે હાઇકોર્ટના ચિફ જાસ્ટિસ દીપાંકર દત્તાએ જણાવવાની સાથે પૂછ્યું હતું કે કોરોના પોઝિટિવ દરદીઓના નામો જાહેર કરીને ક્યો હેતુ સિદ્ધ થશે? 
કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દરદીઓનાં નામ ગુપ્ત રાખવા એ નાગરિકો માટે જોખમી છે. કારણ, એવી વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિને તુરંત જોખમનો અંદાજ આવતો નથી અને એને કારણે જીવનું જોખમ ખડું થાય છે. ઉપરાંત અજાણતા કોરોનાનો સંસર્ગ વધવાનું પણ જોખમ રહેલું છે. નામ જાહેર કર્યા હોય તો એના સંપર્કમાં આવેલ વ્યક્તિ આવશ્યક ટ્રીટમેન્ટ શરૂ કરી શકે છે કે આઇસોલેશનમાં રહેવા જેવા ઉપાયો કરી શકે છે. ઉપરાંત અનેક જણ સ્વેચ્છાએ કોરોના પોઝિટિવ હોવાનું જાહેર કરે છે કે સ્થાનિક સ્તરે નામ જાહેર થતાં જ હોય છે. એટલે નામો ગુપ્ત રાખવાનો કોઈ અર્થ રહેતો નથી. એમ જણાવવાની સાથે વૈષ્ણવી ઘોળવે અને મહેશ ગાડેકરે ઍડવોકેટ વિનોદ સાંગવીકર દ્વારા કરેલી અરજીમાં જણાવ્યું હતું. અરજીની સુનાવણી ચીફ જાસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટીસ સારંગ કોતવાલની બેન્ચ સમક્ષ વિડિયો કૉન્ફરન્સ દ્વારા થઈ હતી. 
દરેક વ્યક્તિ માસ્ક કે ફેસ શિલ્ડ, હેન્ડ સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિગ જેવા નિયમોને અમલમાં મુકે તો કોરોનાના સંસર્ગથી સુરક્ષિત રહી શકે છે. એ માટે કોરોના પોઝિટિવના નામો જાહેર કરવાની આવશ્યકતા નથી અને એનાથી ક્યો હેતુ સાધ્ય થશે. ઉલટાનું સામાજિક બહિષ્કાર જેવા મામલાઓને કારણે સંબંધિત વ્યક્તિને ત્રાસ થવાની શક્યતા નકારી શકાય નહીં, એવો મત ચિફ જાસ્ટિસે વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે દેશની ચાર હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે કાઢી નખાઈ હોવાનું સરકાર તરફથી ઉપસ્થિત એડિશનલ સોલિસિટર જનરલ ઍડવોકેટ અનિલ સિંહે જણાવ્યું હતું. એટલે હાઇકોર્ટનો નિર્ણય શું છે એનો અભ્યાસ કરી અમારી બાજુની રજૂઆત કરશું એમ અરજદારના વકીલ યશોદીપ દેશમુખે જણાવતા બૅન્ચે અરજદારને મુદત આપવાની સાથે શુક્રવારે વધુ સુનાવણી કરશે એમ જણાવ્યું હતું.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer