64 પર અણનમ : નિવૃત્ત ક્રિકેટ સ્કોરરે કોરોનાને આઉટ કર્યો

64 પર અણનમ : નિવૃત્ત ક્રિકેટ સ્કોરરે કોરોનાને આઉટ કર્યો
મુંબઈ, તા. 28 : નિવૃત્ત ક્રિકેટ સ્કોરર રમેશ પરબ હૉસ્પિટલમાં ત્રીસ દિવસથી વધુ સમયના સંઘર્ષ પછી કોરોનાને આઉટ કરીને પોતાના ઘરે પરત ફર્યા છે. 12 જૂને પરેલ નિવાસી રમેશ પરબનો પરિવાર એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલમાં દોડી રહ્યો હતો,  જ્યારે પરબનું અૉક્સિજન સ્તર 50 ટકા સુધી નીચે પહોંચી ગયું હતું. ત્રણ હૉસ્પિટલોમાં કોઈ આઇસીયુ બેડ ઉપલબ્ધ ન હોવાથી આખરે પરિવારે બૉમ્બે સેન્ટ્રલની વોકાર્ટ હૉસ્પિટલમાં બેડ મેળવ્યો. પરબને સીધા જ આઈસીયુમાં દાખલ કરાયા જ્યાં તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ક્રિકેટ બોર્ડના પૂર્વ મેચ સ્કોરરને એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (એઆરડીએસ) અને મલ્ટિ-ઓર્ગન નિષ્ફળતા સાથે કોરોના ન્યુમોનિયા હોવાનું નિદાન થયું હતું. 
 વૉકહાર્ટમાં સારવાર આપતા ડોકટરોએ પરબ પરિવારને જાણ કરી હતી કે મલ્ટિ-ઓર્ગન નિષ્ફળતા સાથે સંકળાયેલા આવા ગંભીર કેસોમાં બચવાની સંભાવના ખૂબ ઓછી છે.  પરંતુ પરબને લગભગ 35 દિવસ પછી 17 જુલાઈએ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે અગ્રણી ડૉક્ટર કેદાર તોરસ્કર અને મેડિકલ ટીમના અન્ય સભ્યોએ તાળીઓ પાડી હતી.  પરબ તેમના પત્ની, પુત્ર અને પુત્રીને જોઇને ગદગદ થઇને રડ્યા હતા. વૉકહાર્ટ હૉસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર એક્સપર્ટ ડૉ.તોરસ્કરે જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં દાખલ થયા બાદ 10 દિવસ સુધી, હું તેમના પરિવારને કહેતો હતો કે અમે અમારા સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ શક્યતા ઓછી છે. સાચું કહું તો મેં એક તબક્કે વિચાર્યું હતું કે તે કદાચ નહીં બચે પરંતુ અમે હાર માની નહોતી. પરબને ડાયાલિસિસ પર રખાયા અને તેમને રીમડેસિવીર, ટોસિલીઝુમાબ, સ્ટીરોઇડ્સ અને એન્ટિબાયોટિક્સ પણ આપ્યા હતા. વૅન્ટિલેટર સપોર્ટના 15 દિવસ પછી પરબના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. 
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer