આમંત્રણ મળશે તો પણ ભૂમિપૂજન માટે અયોધ્યા નહીં જાઉં : શરદ પવાર

આમંત્રણ મળશે તો પણ ભૂમિપૂજન માટે અયોધ્યા નહીં જાઉં : શરદ પવાર
મુંબઈ, તા. 28 : અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનના કાર્યક્રમની તૈયારી અંતિમ તબક્કામાં છે અને આમંત્રિતોની યાદી પણ તૈયાર થઈ રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે સૂચક કહી શકાય એવું નિવેદન કર્યુ છે. ભૂમિપૂજન કાર્યક્રમનું આમંત્રણ મળશે તો પણ હું અયોધ્યા જઇશ નહીં, એવી સ્પષ્ટતા શરદ પવારે કરી હતી. 
 દેશમાં કોરોના મહામારીનું જોખમ છે ત્યારે કેન્દ્ર સરકારે  લીધેલા આ નિર્ણય અંગે શરદ પવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રામ મંદિર બાંધવાથી કોરોના જતો રહેશે એવું અમુક લોકોને લાગી રહ્યુ હોવોનો ટોણો માર્યો હતો. એને પગલે રાજકીય વિવાદ પણ શરૂ થયો હતો. રાજ્યના ભાજપના નેતાઓએ શરદ પવારની ટીકા કરી હતી. એ સાથે શરદ પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે રાજ્યમાં સત્તા ભોગવી રહેલી હિન્દુત્વવાદી શિવસેના પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું. શિવસેના પ્રમુખ અયોધ્યા જશે કે એ માટે શરદ પવારની પરવાનગી લેવી પડશે એવી ટીકા પણ કરવામાં આવી હતી. આથી અમને આમંત્રણની જરૂર નથી, અમે અયોધ્યા જશું જ એમ શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું. હવે આમંત્રિતોની યાદીમાં ઉદ્ધવ ઠાકરેનું નામ હોવાનું જાણવા મળ્યુ છે ત્યારે તેઓ શું નિર્ણય લે છે એ જોવું રહ્યું. 
દરમ્યાન શરદ પવારે એક ચૅનલને આપેલી મુલાકાત દરમ્યાન ફરી તેમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. રામ મંદિર અંગે હવે કોઈ વિવાદ નથી. 
સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ તમામ વિવાદોનો અંત આવ્યો છે. જો ભૂમિપૂજન માટે આમંત્રણ મળશે તો પણ હું જઇશ નહીં કારણ, દેશમાં અત્યારે કોરોનાની પરિસ્થિતિ ગંભીર છે. આવી પરિસ્થિતિમાં રાજ્યમાં રહેવું ઉચિત ગણાશે. રાજ્યહિતની જવાબદારી મોટી છે એમ તેમણે જણાવ્યું હતું. 
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer