આરાધ્યા અને ઐશ્વર્યાને હૉસ્પિટલમાંથી રજા અપાતા અમિતાભની લાગણીસભર ટ્વીટ

આરાધ્યા અને ઐશ્વર્યાને હૉસ્પિટલમાંથી રજા અપાતા અમિતાભની લાગણીસભર ટ્વીટ
મુંબઈ, તા. 28 : મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું કે જ્યારે એમની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચનના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી તો એમની આંખો ભરાઈ આવી. કોવિડ-19થી પીડિત ઐશ્વર્યા અને આઠ વરસની પુત્રી આરાધ્યાને 17 જુલાઈએ નાણાવટી હૉસ્પિટલમાં સેલ્ફ આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા હતા. સોમવારે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 
અમિતાભ અને અભિષેકને 11 જુલાઈએ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ હજુ હૉસ્પિટલમાં જ છે. અમિતાભે તેમના અધિકૃત બ્લૉગ પર લખ્યું હતું કે જ્યારે આરાધ્યાએ એમને કહ્યું કે, તમે જલ્દી ઘરે પાછા આવશો તો તેઓ ભાવુક થઈ ગયા.
અમિતાભે લખ્યું, વ્હાલી પૌત્રી અને વહુરાણી... અને આંસુ ઉભરાઈ આવ્યા... નાનકડી દીકરી વળગીને બોલી કે તમે રડો નહીં... તમે પણ જલ્દી ઘરે આવી જશો. એણે મને હિંમત આપી... મને એની વાત પર ભરોસો છે. 
અમિતાભે ટ્વીટ કર્યું કે, મારી નાની પૌત્રી અને પુત્રવધૂને હૉસ્પિટલમાંથી રજા મળતા હું મારા આંસુ રોકી શક્યો નહીં, પ્રભુ તારી કૃપા અપરંપાર. બિગ બીની ટ્વીટથી જોકે એ સ્પષ્ટ થતું નથી કે અમિતાભ અને અભિષેકને હૉસ્પિટલમાંથી રજા ક્યારે મળશે. જોકે, ડૉક્ટરના કહેવા મુજબ બંનેની તબિયતમાં ઘણો સુધારો છે. 
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer