વીજ બિલનો `શૉક'' અટકાવો નહીંતર વીજ કંપનીઓને આંચકો આપીશું

વીજ બિલનો `શૉક'' અટકાવો નહીંતર વીજ કંપનીઓને આંચકો આપીશું
રાજ ઠાકરેનો મુખ્ય પ્રધાનને પત્ર
મુંબઈ તા. 28 : રાજ્યમાં વીજ ગ્રાહકો પાસેથી ઊંચા બિલો વસૂલાતા હોવાની મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ગંભીર નોંધ લીધી છે. રાજ ઠાકરેએને આ પાવર ચાર્જ તરત જ લગામ લગાવવાની જરૂર હોવાનું લાગે છે. રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને એમએસઇડીસીએલ અને બેસ્ટ સહિતની ખાનગી વીજ કંપનીઓને સમજાવવા વિનંતી કરી છે, નહીં તો આ વીજ કંપનીઓને અમારે આંચકો આપવો પડશે, એમ રાજ ઠાકરેએ જણાવ્યું હતું.  
રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને ફટકારાતા તાતિંગ રકમના વીજળી બિલો પ્રત્યે સરકારનું ધ્યાન દોર્યું છે. પત્રની શરૂઆત કરતાં રાજે કહ્યું કે રાજ્ય સરકાર સંભવત: કોરોના સામેના યુદ્ધમાં એક મહત્ત્વપૂર્ણ મુદ્દાની અવગણના કરી રહી છે અથવા લોકોની તીવ્ર લાગણી તેમના સુધી પહોંચી નથી. 
બેસ્ટ, એમએસઇડીસીએલ સહિતની તમામ ખાનગી વીજ કંપનીઓએ ગ્રાહકોને વીજળીના ઊંચી રકમના બિલોનો મોટો આંચકો આપ્યો છે. જૂનના વીજળીના બિલો ઊંચા ફટકારાયા છે અને માર્ચ, એપ્રિલ અને મે મહિનાના ત્રણ મહિના માટે સરેરાશ વીજળી બિલો મોકલ્યા પછી, એ ત્રણ મહિનામાં વીજ વપરાશ અને સરેરાશ વીજળી બિલો વચ્ચેનો તફાવત જૂન-જુલાઈમાં વસૂલવામાં આવી રહ્યાનું કહેવાય છે, પરંતુ તફાવતના નામે જે રકમ વસૂલવામાં આવે છે એ લૂંટ છે, એમ રાજે કહ્યું.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer