મુંબઈને પાણી પહોંચાડતું સૌથી નાનું તુલસી જળાશય છલકાયું

મુંબઈને પાણી પહોંચાડતું સૌથી નાનું તુલસી જળાશય છલકાયું
મુંબઈ, તા. 28 : મુંબઈગરાઓને પાણી પુરવઠો આપતા સાત જળાશયોમાંથી મુંબઈની હદમાં આવેલા બેમાંનું એક તુલશી જળાશય 27 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યે છલકાયું હતું. ગયા વર્ષે 12 જુલાઈના 8046 મિલિયન લિટર પાણી સંગ્રહની ક્ષમતાવાળું આ જળાશય છલકાયું હતું. અગાઉના વર્ષોમાં, 2018માં 9 જુલાઇએ, 2017 માં 14 ઓગસ્ટે અને 2016માં 19 જુલાઈએ તુલસી જળાશય ઓવરફ્લો થયું હતું. મુંબઈને પાણી પહોંચાડતા સાત જળાશયોમાં તુલસી સૌથી નાનું છે, જે રોજ સરેરાશ 18 મિલિયન લિટર (1.8 કરોડ લિટર) પાણી પુરવઠો મુંબઈને આપે છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેચમેન્ટ એરિયામાં સારા વરસાદને કારણે જળાશય ઓવરફ્લો થવાનું શરૂ થયું હોવાનું પાલિકાના જળ ઇજનેર વિભાગે જણાવ્યું છે તુલસી જળાશય મુંબઈ પાલિકાના મુખ્ય મથકથી લગભગ 35 કિમી દૂર છે.
આ કૃત્રિમ જળાશયનું નિર્માણ આશરે 40 લાખ રૂપિયાના ખર્ચે વર્ષ 1879માં પૂર્ણ કરાયું હતું.
તુલસીનો કેચમેન્ટ એરિયા આશરે 6.76 કિમી છે અને તળાવ ભરાય જાય એટલે પાણીનો વિસ્તાર આશરે 1.35 ચોરસ કિમી છે. તુલસીમાં પાણીના સંગ્રહની ક્ષમતા 804.6 કરોડ લિટર છે. ઓવરફ્લો બાદ તુલસીનું પાણી વિહાર જળાશયમાં જાય છે.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer