મેઘરાજાએ તળમુંબઈમાં જોરદાર હાજરી નોંધાવી

મેઘરાજાએ તળમુંબઈમાં જોરદાર હાજરી નોંધાવી
મુંબઈ, તા. 28 : મંગળવારે સવારે મુંબઈમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા ટ્રાફિકમાં વિક્ષેપ થયો હતો. મુંબઈના ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનર મધુકર પાંડેએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે શહેરમાં સાત સ્થળોએ ટ્રાફિકમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો.  
ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું કે વરલી નાકા અને રાખંગી વરલીમાં, સરદાર હૉટલ, લાલબાગ,  મુંબઈ સેન્ટ્રલ,  મહાલક્ષ્મી મંદિર,  ખાન અબ્દુલ ગફાર ખાન માર્ગ સહિતના વિસ્તારોમાં લગભગ એક ફૂટ જેટલું પાણી ભરાયાથી ટ્રાફિક વિક્ષેપિત થાય છે. 
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભાયખલા પોલીસ સ્ટેશન અને હિંદમાતા રોડ જેવા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે મધ્ય મુંબઈના આ વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિકને અન્ય માર્ગે વાળવામાં આવ્યો હતો. 
આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં કોલાબામાં 57.2 મિ.મી. (2.2 ઈંચ) અને સાંતાક્રુઝમાં 28.6 મિ.મી. (1.1 ઈંચ) વરસાદ પડયો હતો. આજે સવારે 8.30 વાગ્યેથી રાતના 8.30 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળામાં કોલાબામાં 87.6 (3.5 ઈંચ) અને સાંતાક્રુઝમાં 7.8 (0.3 ઈંચ) વરસાદ પડયો હતો. આ જ આંકડા બતાડે છે કે વરસાદનું જોર સવારે તળ મુંબઈમાં વધારે હતું અને પરાંમાં ઓછું હતું. પાલિકાએ નોંધેલા આંકડા પ્રમાણે સવારના 8.00 વાગ્યાથી સાંજના 4.00 વાગ્યા સુધી તળ મુંબઈમાં 79.86 મિ.મી., પૂર્વ ઉપનગરમાં 9.95 મિ.મી. અને પશ્ચિમના ઉપનગરમાં 27.98 મિ.મી. વરસાદ નોંધાયો હતો. વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને ક્યાંક ટ્રાફિકજામ પણ જોવા મળ્યો હતો. જોકે, આવશ્યક સેવાના કર્મચારીઓ માટે દોડતી લોકલ ટ્રેન પર વરસાદની કોઈ માઠી અસર થઈ ન હતી. બેસ્ટની બસનો રૂટ પણ બદલવાની જરૂર પડી નહોતી. કોલાબામાં કુલ 1596.8 અને સાંતાક્રુઝમાં 1861.6 મિ.મી. વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાએ આવતી કાલ માટે આગાહી કરી છે કે આકાશ વાદળિયું રહેશે અને ઝાંપટાથી માંડીને ધોધમાર વરસાદ પડશે.
Published on: Wed, 29 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer