હવે કોંકણ જનારાઓની વહારે આવ્યો સોનુ સૂદ

હવે કોંકણ જનારાઓની વહારે આવ્યો સોનુ સૂદ
કોવિડ-19ના લોકડાઉનમાં મુંબઇમાં ફસાયેલા પરપ્રાંતીયોને વતન પહોંચાડનાર સોનુ સૂદ હવે ગણેશોત્સવ માટે કોંકણ જવા ઇચ્છુકોની વહારે આવ્યો છે. સરકારે ક્વોરન્ટાઇનનો નિયમ બનાવ્યો નથી, એસટી અને રેલવે બંધ છે તથા ગામમાં જવા ઇ-પાસની પણ પરવાનગી મળતી નથી એટલે લોકોની સમસ્યા વધી છે. પોલીસની વેબસાઇટ પરથી ઇ-પાસ મેળવવા કયા કારણ આપવા તેની સામાન્ય લોકોને સમજ પડતી નથી અને એજન્ટો આ પાસ મેળવી આપવા વ્યક્તિ દીઠ પાંચસો રૂપિયા પડાવે છે. બીજી તરફ ખાનગી ટ્રાવેલ એજન્સીઓ પણ ટિકિટોના ભાવ છ ગણા વધુ લે છે. આથી કોકણ જવા ઇચ્છતી એક વ્યક્તિએ સોનુ પાસે મદદ માગી હતી. તેણે સોશિયલ મીડિયા પર સોનુને જણાવ્યું હતું કે, અમારો તહેવાર નજીક છે. ખાનગી ટ્રાવેલ બસવાળા પાંચસોની ટિકિટના ત્રણ હજાર રૂપિયા લે છે. આ ઉપરાંત ઇ-પાસ માટે બીજા પાંચસો માગે છે. આ વાંચીને સોનુએ પ્રત્યુત્તર આપ્યો હતો કે કોઇએ વધુ પૈસા આપવાની જરૂર નથી. મને તમારી માહિતી મોકલો. ગણપતિ બાપ્પા મોરયા. 
દર વર્ષએ ગણેશોત્સવ આવતાં જ રેલવે અને એસટીની ખાસ બસો કોકણ માટે દોડાવવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે કોરોનાને લીધે બધું જ અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવે એક મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે પરંતુ સરકારે લોકોને ગમા પહોંચાડવા માટે કોઇ વ્યવસ્થા કરી નથી.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer