સંજય દત્તે જન્મદિને ફિલ્મ `કેજીએફ

સંજય દત્તે જન્મદિને ફિલ્મ `કેજીએફ
ચેપ્ટર-ટુ'નો પોતાનો લૂક બહાર પાડયો 
સંજય દત્તે પોતાના 61મા જન્મદિને પોતાની આગામી ફિલ્મ કેજીએફ- ચેપ્ટર ટુના ખલનાયક અધીરા તરીકે પોતાના પાત્રનો લૂક જાહેર કર્યો હતો. કેજીએફની આ સિકવલ ફિલ્મમાં સંજય ખતરનાક વિલન અધીરા તરીકે જોવા મળશે. ઉપરાંત આ ફિલ્મ દ્વારા તે દક્ષિણના ફિલ્મોદ્યોગમાં પ્રવેશશે. સંજયે ટ્વીટ કર્યું હતું કે, આનાથી સારી જન્મદિનની ભેટ ન હોઇ શકે. આ ફિલ્મમાં કામ કરવાનો આનંદ છે. 
ફિલ્મના પોસ્ટરમાં સંજય અગાઉ કયારેય ન જોયો હોય એવા લૂકમાં છે. તેના વાળમાં ચોટલીઓ છે, ચહેરા પર ટેટૂઓ છે અને બખતર પહેર્યું છે તથા હાથમાં તલવાર છે. 
મૂળ ફિલ્મમાં અભિનેતા યશ મુખ્ય નાયક તરીકે છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આમાં રોકી કઇ રીતે ખતરનાક ગેંગસ્ટર બને છે તેની કથા છે. તેમાં તમન્ના ભાટિયા અને અનંત નાગ પણ મુખ્ય પાત્ર ભજવતા હતા. જયારે સિકવલ ફિલ્મમાં રોકી અને અધીરા વચ્ચેનો સંઘર્ષ જોવા મળશે. `કેજીએફ: ચેપ્ટર ટુ'ના દિગ્દર્શક પ્રશાંત નીલ છે અને તેમાં રવિના ટંડન પણ નોંધપાત્ર ભૂમિકામાં છે. આ ફિલ્મ હિન્દી, કન્નડ, તામિલ, તેલુગુ અને મલયાલમમાં રજૂ થશે.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer