સચિન સદીને ડબલ કે ટ્રિપલમાં બદલી શકતો નહીં : કપિલ દેવ

સચિન સદીને ડબલ કે ટ્રિપલમાં બદલી શકતો નહીં : કપિલ દેવ
નવી દિલ્હી, તા.29 : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બેટિંગ ક્ષમતા પર ભારતના પૂર્વ વિશ્વ વિજેતા સુકાની કપિલ દેવે સવાલ કર્યો છે. કપિલના મતે સચિન નિર્દયી બેટધર ન હતો. કપિલ કહે છે કે સચિન પોતાની સદીને 200 કે 300માં બદલી શકતો નહીં. 
અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે 200 ટેસ્ટ મેચ રમનાર સચિન તેંડુલકરના નામે 6 બેવડી સદી છે. તે કેરિયરમાં ક્યારે પણ ત્રેવડી સદી ફટકારી શક્યો નથી. સૌથી વધુ 12 બેવડી સદી સર ડોન બ્રેડમેનના નામે છે. આ મામલે કપિલે એક ઓનલાઇન ચર્ચામાં જણાવ્યું હતું કે સચિન પાસે અખૂટ પ્રતિભા હતી. તેના જેવો બીજો કોઇ બેટધર મેં જોયો નથી. તે જાણતો કે સદી કેમ કરવી, પણ તે સદીને બેવડી કે ત્રેવડીમાં ફેરવી શકતો નહીં. કપિલનું માનવું છે કે સચિનના નામે ઓછામાં ઓછી ત્રણ ત્રેવડી અને 10 બેવડી સદી હોવી જોઇએ. કારણ કે ફાસ્ટ બોલર અને સ્પિનર સામે શાનદાર બેટિંગ કરી શકતો હતો. કપિલનું કહેવું છેકે સદી બાદ સચિન ક્યારે પણ બોલર પર નિર્દય બનીને ફટકાબાજી કરતો ન હતો. ઉલ્ટાનું તે સદી બાદ સિંગલ લેવાનું શરૂ કરી દેતો.
ટેસ્ટમાં વિરાટ કોહલીના નામે સાત બેવડી સદી છે. ત્રેવડી સદીની વાત કરીએ તો ભારત તરફથી વિરેન્દ્ર સેહવાગે બે અને કરુણ નાયરના નામે એક છે.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer