સોના-ચાંદીમાં વણથંભી તેજી : રાજકોટમાં સોનું રૂા.55,000ની નજીક

સોના-ચાંદીમાં વણથંભી તેજી : રાજકોટમાં સોનું રૂા.55,000ની નજીક
મુંબઈમાં ચાંદી કિલોએ રૂા.64,300  
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ/ મુંબઈ, તા. 29 :  અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક બુધવારે પૂર્ણ થઇ રહી છે અને એમાં ઢીલી નાણાનીતિ ચાલુ રાખવામાં આવશે તેવી અટકળો વચ્ચે સોનાનો ભાવ ઘટ્યા પછી ફરી સુધરીને મક્કમ થયો હતો. ન્યૂયોર્કમાં સોનું 1955 ડોલર હતુ. ચાંદી પણ આગલા દિવસથી સાધારણ સુધારા સાથે 24.39 ડોલરની સપાટીએ રહી હતી. 
ગઇકાલે સોનું 1980 ડોલરની અત્યાર સુધીની ટોચ ઉપર પહોંચ્યું હતુ એ પછી સાધારણ ઘટાડો હતો.વિશ્લેષકો કહે છે, ફેડની બેઠક બાદની જાહેરાત પૂર્વે થોડી સાવધાની જરુર હતી. ફેડ વ્યાજદરમાં કોઇ ફેરફાર કરે તેમ નથી છતાં નાણાનીતિ અંગે કેવું નિવેદન આપે છે તે જોવાનું છે. એકંદરે પ્રવાહ તેજીનો છે. ડોલરનું મૂલ્ય આજે ફરીથી નરમ પડ્યું હતુ એટલે સોનામાં સુધારો જળવાઇ રહ્યો હતો.  
કોરોનાના ગંભીર રોગચાળા ઉપરાંત ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તનાવને લીધે તત્કાળ આર્થિક રિકવરી આવે તેવી શક્યતા ઓછી છે એવી સ્થિતિમાં સલામત રોકાણ માટે સોનાની માગ જળવાઇ રહે તેમ છે. 
વૈશ્વિક સ્તરે વ્યાજદરો નીચાં જતા રહ્યા છે પરિણામે સોનામાં રોકાણની તક રોકાણકારો અને ફંડો ઝડપી લેવા ઇચ્છે છે. મોટાં આર્થિક પેકેજોને લીધે ફુગાવો વધી જવાનો ડર અને ચલણોમાં થઇ રહેલા ઘસારાને લીધે પણ સોનું આકર્ષક બની ગયું છે. 
દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 500ની તેજીમાં રુ. 54700 અને મુંબઇમાં રુ. 548 ઉંચકાતા રુ. 53013 હતો. 
ચાંદી રાજકોટમાં એક કિલોએ રુ. 1100 ઉઁચકાતા રુ. 63100 અને મુંબઇમાં રુ. 1570 વધીને રુ. 64300 હતી. 
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer