અર્થતંત્રમાં નબળાઈ : આરબીઆઈ વધુ એક વાર રેટ કટ કરે તેવી શકયતા

અર્થતંત્રમાં નબળાઈ : આરબીઆઈ વધુ એક વાર રેટ કટ કરે તેવી શકયતા
મુંબઈ, તા. 29 : કોવિદ રોગચાળાના કારણે વેપારની ગતિવિધિ મંદ પડતાં ભારતનું અર્થતંત્ર નબળું પડી રહ્યું છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ધિરાણ દરોમાં ફરી એક વાર કપાત કરે તેવી શકયતા એક સમાચાર એજન્સી દ્વારા હાથ ધરાયેલા અર્થશાસ્ત્રીઓના કરેલા સર્વેમાં વ્યક્ત કરવામાં આવી છે.  
આ નાણાં વર્ષ દરમિયાન ફુગાવો સરેરાશ 4.5 ટકા રહેવાની ધારણા છે. આરબીઆઈ તેની 4થી 6 ઓગસ્ટ વચ્ચે થનારી નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં ધિરાણ દરોમાં વધુ 0.25 ટકાની કપાત કરે શકયતા વ્યક્ત કરી છે. આ ઘટાડો થશે તો ધિરાણ દરો 3.50 ટકાના સૌથી નીચલા સ્તરે જોવા મળશે.  
કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં અપાયેલા 266 અબજ ડોલરના પેકેજમાં નવા ખર્ચ, વેરામાં રાહત અથવા રોકડ સહાયનો સમાવેશ થયો નથી એવી ટીકા અર્થશાસ્ત્રીઓએ કરી છે અર્થતંત્રને બેઠું કરવા માટે વધુ પગલાં લેવાની જરૂર હોવાનું સૂચન કર્યું છે.  
અમેરિકા અને બ્રાઝીલ પછી કોવિદ ગ્રસ્ત દેશ તરીકે ભારતનો ત્રીજો ક્રમ આવે છે અને માર્ચથી મે સુધી લોકડાઉન કર્યા બાદ નવેસરથી લોકડાઉનની શકયતા વધી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.   
આશરે 60 અર્થશાસ્ત્રીઓના કરાયેલા સર્વેમાં સ્પષ્ટ મત વ્યકત થયો હતો કે ભારતનું અર્થતંત્ર આ ત્રિમાસિક ગાળામાં, આવતા ગાળામાં અને સમગ્ર નાણાં વર્ષ દરમિયાન મુશ્કેલીનો સામનો કરશે.  
તાજેતરમાં પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રમાં 20 ટકાની ઘટ થવાની આગાહી થઈ છે. 1990ના દાયકાથી સત્તાવાર આંક જાહેર કરવાની શરૂઆત બાદ આ પહેલી વાર દ્વિઅંકમાં ઘટાડો હશે.  ભારત એશિયામાં અર્થતંત્રની દ્રષ્ટિએ  ક્રમે આવતો સૌથી મોટો દેશ છે. આરોગ્યની સમસ્યા વકરી રહી છે, તેનો ઉકેલ હજી દૂર છે અને તે કારણે દેશના અનેક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ થઈ રહ્યું છે, એમ એક્સીસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ પૃથ્વીરાજ શ્રીનિવાસે જણાવ્યું હતું.  
આરોગ્ય સમસ્યાનો ઉકેલ હજી દૂર હોવાથી આપણે નજીકના ભવિષ્યમાં અર્થતંત્રમાં સુધારો થશે એવી અપેક્ષા રાખી શકીએ નહિ, એમ તેમણે જણાવ્યું હતું.  
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer