ઇન્ડિગોએ એપ્રિલ - જૂન ત્રિમાસિકમાં રૂા. 2,844 કરોડની જંગી ખોટ કરી

ઇન્ડિગોએ એપ્રિલ - જૂન ત્રિમાસિકમાં રૂા. 2,844 કરોડની જંગી ખોટ કરી
વાર્ષિક ધોરણે આવક 92 ટકા ઘટી રૂા.768 કરોડ થઈ 
નવી દિલ્હી, તા. 29 : ઈન્ટર ગ્લોબલ એવિયેશન હસ્તક ઈન્ડિગો એરલાઈને એપ્રિલ - જૂન ત્રિમાસિક ગાળામાં રૂ.2,844 કરોડની જંગી ખોટ કરી છે. પાછલા વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂ.1,203 કરોડનો નફો કર્યો હતો.   નાણાં વર્ષ 2019 -20ના માર્ચ ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ.871 કરોડની ખોટ કરી હતી. તેની તુલનાએ જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીની ખોટમાં 226.5 ટકાનો વધારો થયો છે.   24 મે 2020 સુધી વિમાની સેવા કોવિડના કારણે બંધ હોવાથી અને તે પછી મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓ મળતાં ત્રિમાસિક પરિણામોને અત્યંત માઠી અસર પડી છે. ઇન્ડિગોએ રૂ.2,844 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે, એમ એરલાઈને અખબારી નિવેદનમાં જણાવ્યું છે.  
વેરો ભરતા પહેલાંની ચોખ્ખી ખોટ રૂ.2,842.6 કરોડ રહી હોવાનું કંપનીએ જણાવ્યું હતું.  
ગુરુગ્રામ સ્થિત આ કંપનીની એપ્રિલ - જૂન ત્રિમાસિકમાં કામગીરી વડે થયેલી આવક રૂ.766.7 કરોડ થઇ હતી. જે નાણા વર્ષ 2020ના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે રૂ.9,420.10 કરોડ હતી. જેમાં 92 ટકાનો ઘટાડો થયો છે.  અમુક રાજ્ય સરકારોએ અમારા કામકાજ ઉપર અંકુશ મૂક્યા હોવાથી કંપનીની કામગીરી ઉપર માઠી અસર પડી છે, એમ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું.  
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer