મારુતિ સુઝુકીએ 17 વર્ષમાં પહેલી વાર રૂા. 268 કરોડની ખોટ નોંધાવી

મારુતિ સુઝુકીએ 17 વર્ષમાં પહેલી વાર રૂા. 268 કરોડની ખોટ નોંધાવી
નવી દિલ્હી, તા. 29 : માર્કેટ શેરની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ કમ સે કમ 17 વર્ષના ગાળામાં પહેલી વાર એપ્રિલ - જૂન ત્રિમાસિક ગાળામાં રૂ.268.3 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. મારુતિ ઇન્ડિયાનો શેર બીએસઈમાં સત્રના અંતે રૂ.101 ઘટી રૂ.6185.60ના સ્તરે બંધ થયો હતો.  
આ ગાળા દરમિયાન કોવિદ રોગચાળાને કાબુમાં લેવા માટે થયેલા લોકડાઉનના કારણે દેશની ટોચની કાર વિક્રેતા કંપનીનું વેચાણ ઘટ્યું હોવાનું કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું.  
કંપનીએ ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.1,376.80 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. જોકે, એપ્રિલ - જૂન ત્રિમાસિક ગાળામાં ચોખ્ખી ખોટ સીમિત રહેવા પાછળનું કારણ સંચાલન ખર્ચમાં ઘટાડો હોવાનું કંપનીએ જણાવ્યું છે.  
ઉક્ત ક્વાર્ટરમાં વાહનોના વેચાણ દ્વારા રૂ.3677.50 કરોડની આવક થઈ હતી જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 80.37 ટકા ઓછી હોવાનું કંપનીએ નિયામક ફાઈલિંગમાં જણાવ્યું હતું.  
આ નાણા વર્ષના પહેલા ગાળામાં કંપનીએ 76,599 વાહનો વેચ્યા હતા. તેમાં સ્થાનિક ધોરણે 67,027 વાહનો વેચાયા હતા અને 9,572 વાહનોની નિકાસ થઈ હતી.  
30 જૂને પુરા થયેલા ગાળામાં કુલ આવક રૂ.5424.80 કરોડની રહી હતી જે ગત વર્ષના સમાન ગાળાની તુલનાએ 73.61 ટકાનો ઘટાડો દર્શાવે છે.  
જોકે , આ સમયગાળા દરમિયાન સંચાલન ખર્ચ 69 ટકા જેટલો ઘટીને રૂ.5,770 કરોડ થયો હયો જે ગયા વર્ષે આ ગાળામાં રૂ.18,645 કરોડ હતો.  
કોવિદ રોગચાળા અને લોકડાઉનના કારણે જાન્યુઆરી - માર્ચના ગાળા સાથે પરિણામોની તુલના કરવામાં આવી નથી, એમ કંપનીએ નિયસમક ફાઈલિંગમાં જણાવ્યું છે. 
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer