બુકર પ્રાઈઝની રેસમાં ભારતીય મૂળની લેખિકા અવની દોશી

લંડન, તા. 29 : દુબઈમાં રહેતી ભારતીય મૂળની લેખિકા અવનિ દોશી સહિત 13 લેખકોના નામ 2020ના બુકર પ્રાઇઝની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે. આ યાદીમાં બે વાર બુકર પ્રાઇઝ જીતી ચુકેલી હિલેરી મેંટલનું નામ પણ સામેલ છે. પસંદગીકારોએ લેખકોની યાદી તૈયાર કરવા માટે 162 નવલકથાનું આકલન કર્યું હતું. જેમાંથી છ નામોની ઘોષણા સપ્ટેમ્બર મહિનામાં કરાશે અને નવેમ્બરમાં પુરસ્કારની ઘોષણા કરાશે. 
મેંટલને ધ મિરર એન્ડ ધ લાઇટ માટે અને દોશીને તેમની નવલકથા બર્ન્ટ શુગર માટે યાદીમાં સ્થાન મળ્યું છે. અવની દોશીનું નામ સામેલ કરતી વખતે પસંદગીકારોએ જણાવ્યું કે, તેમણે મા-દીકરીના જટીલ અને અસામાન્ય સંબંધોને ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા છે.
અમેરિકામાં જન્મેલાં અને દુબઈમાં રહેતાં અવની દોશીએ એમની પહેલી નવલકથા અંગે લાંબી યાત્રાનો ઉલ્લેખ કર્યો 
હતો. ગયા વરસે તેમના પુસ્તક ગર્લ ઇન વ્હાઇટ કૉટનનું વિમોચન ભારતમાં કરવામાં આવ્યું હતું અને ગયા ગુરૂવારે (23 જુલાઈ) બર્ન્ટ શુગર તરીકે ઇંગ્લેન્ડમાં લૉન્ચ કરવામાં આવ્યું. 
બુકર પ્રાઇસ માટે કોઈ પણ દેશનો લેખક ભાગ લઈ શકે છે. જોકે પુસ્તક અંગ્રેજીમાં હોવું જોઇએ અને એનું પ્રકાશન ઇંગ્લેન્ડ કે આયર્લેન્ડમાં થવું જોઇએ. બુકર પ્રાઇસ માટેની અંતિમ યાદી 15 સપ્ટેમ્બર જાહેર કરવામાં આવશે.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer