કાંદિવલી પશ્ચિમના વપરાશકારને વીજળીનું ચાર ગણું બિલ આવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : મહાનગરના અનેક લોકો વીજળીના વધુ બિલથી પરેશાન છે. અદાણી ઈલેક્ટ્રિસિટી, તાતા પાવર, બૅસ્ટ, એમએસઈબી, બધી વીજ કંપનીઓએ ઘણા વપરાશકારોને તો જૂન-જુલાઈ મહિનામાં આઠથી દશ ગણાં બિલ મોકલાવ્યાં છે. ઘણા લોકોએ તો વીજ જોડાણ કપાઈ જવાના ભયે એ ઊંચા બિલ પણ ભરી દીધાં છે તો ઘણા વીજ કંપનીઓ બિલ ઘટાડશે એવી આશામાં બિલ ભર્યાં નથી અને કંપનીઓનાં પ્રતિસીધીની રાહ જોઈ રહ્યા છે.
કાંદિવલી પશ્ચિમમાં રહેતા અદાણી ઈલેક્ટ્રિસિટીના વપરાશકાર હિંમાશુભાઈ શાહને જૂનનું રૂા. 19770નું તોતિંગ બિલ આવ્યું છે. ટુ બેડ ફ્લેટમાં રહેતા હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે સામાન્યરીતે મને 2500થી 2700 રૂપિયા જેટલું બિલ આવે છે. ફેબ્રુઆરીમાં રૂા. 2527, માર્ચમાં 2650, એપ્રિલમાં રૂા. 2894, મેમાં રૂા. 5550 અને જૂનમાં રૂા. 19770નું બિલ આવ્યું છે. આ બિલ ઘણું વધારે છે. જોકે, આ બિલમાં એપ્રિલ-મેના બિલનો સમાવેશ છે. આમ છતાં એ બાદ કરીએ તો પણ જૂનનું બિલ 8000 રૂપિયાથી વધુ છે. આ ખરેખર ન સમજાય એવું છે.
બોરીવલી વેસ્ટમાં વન બેડ ફ્લેટમાં રહેતા તાતા પાવરના વપરાશકાર સુશીલ ચિયાણીને જૂનમાં સામાન્ય કરતાં ત્રણ ગણાં કરતાં વધુ બિલ આવ્યું છે. તેમણે કહ્યું હતું કે મને ફેબ્રુઆરીમાં રૂા. 1245, માર્ચમાં રૂા. 1265, એપ્રિલમાં રૂા. 1307, મેમાં રૂા. 2424 અને જૂનમાં 4304 રૂપિયાનું ઊચું બિલ આવ્યું છે. અમારા વપરાશ ક્યારે પણ 300 યુનિટથી વધુ થતો નથી પણ કંપનીએ અંદાજે બિલમાં 300થી વધુ યુનિટ ગણ્યા છે અને જેનો ચાર્જ વધુ હોય છે.
ભાઈંદર વેસ્ટમાં રહેતા અદાણીના વપરાશકાર શ્રીપાલભાઈ દોશીએ જણાવ્યું હતું કે અમને સામાન્યરીતે દર મહિને રૂા. 1700થી 2200નું બિલ આવે છે, પરંતુ જૂનમાં રૂા. 6990 જેટલું ઊચું બિલ આવ્યું છે. વનરૂમ કિચનમાં રહેતા દોશીને ફેબ્રુઆરીમાં રૂા. 1790, માર્ચમાં રૂા. 2211, એપ્રિલમાં રૂા. 1690, મેમાં રૂા. 1580 અને જૂનમાં સીધું રૂા. 6990નું બિલ રહ્યું છે. જે ઘણું વધારે છે. લગભગ સાડાચાર ગણું વધુ બિલ આવતા તેઓ પરેશાન છે.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer