મુંબઈ-નાગપુર એક્સપ્રેસ-વેનું 40 ટકા કામ પૂર્ણ : એમએસઆરડીસી

નાગપુર, તા. 29 : મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)ના વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ-વેનું 40 ટકા કામ પૂરૂં થયું છે અને ઇગતપુરીથી નાગપુર સુધીનો રોડ ડિસેમ્બર સુધીમાં કાર્યરત થઈ જશે. 
એમએસઆરડીસીના વાઇસ ચેરમેન અને મેનાજિંગ ડિરેક્ટર રાધેશ્યામ મોપલવાર દ્વારા આયોજિત વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફરન્સ દરમ્યાન 701 કિલોમીટર લાંબા હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ અંગે જાણકારી આપવામાં આવી હતી. 
ઇગતપુરીથી નાગપુર સુધીનો 31 કિલોમીટરનો પટ્ટો ડિસેમ્બર 2021માં વિધાનસભાનું શિયાળુ અધિવેશન મળે એ અગાઉ પૂરો કરવાનો અમારો ઉદ્દેશ છે. જોકે વિદર્ભ વિસ્તારનો અમુક હિસ્સો આવતા વરસે જૂન સુધીમાં તૈયાર થઈ જશે, એમ સિનિયર અધિકારીએ જણાવ્યું. મોપલવારે 20 ટાઉનશિપની સાથે એક્સપ્રેસ વે જ્યાંથી પસાર થશે એ 10 જિલ્લા, 26 તહેસિલ અને 390 ગામોના ડેવલપમેન્ટ અંગે પણ જાણકારી આપી હતી.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer