બીકેસીના બિલ્ડર પર 432 કરોડનાં દંડના એમએમઆરડીએનાં દાવાને સુપ્રીમ કોર્ટે નકાર્યો

મુંબઈ, તા. 29 : મુંબઈ મેટ્રોપૉલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)ની થયેલી એક મોટી નાણાકીય પીછેહઠમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ (બીકેસી)ના એક પ્લૉટ પર બાંધકામમાં વિલંબ માટે રઘુલીલા બીલ્ડર પર ફટકારવામાં આવેલો 432 કરોડનાં દંડનો દાવો સર્વોચ્ચ અદાલતે નકારી કાઢયો છે. 
જોકે, એમએમઆરડીએનો અંદાજ એવો છે કે આ આદેશને કારણે તેને અંદાજે 3800 કરોડ રૂપિયાની નુકસાની જઈ શકે છે કારણ કે બીકેસીમાં અન્ય કેટલાક બીલ્ડરો પાસેથી પણ કામમાં વિલંબ માટે દંડ વસૂલવામાં આવ્યો છે. જોકે, આદેશ અન્ય બીલ્ડરોને લાગુ પડતો નથી.
ગત વર્ષે મુંબઈ હાઈ કોર્ટે બીલ્ડરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો એ બાદ એમએમઆરડીએએ નોંધાવેલી સ્પેશિયલ લીવ પિટિશન સોમવારે સર્વોચ્ચ અદાલતે કાઢી નાખી હતી. એમએમઆરડીએ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મેટ્રોલાઈનો, સી લિન્ક, ફ્લાયઓવર અને અન્ય મહત્ત્વની માળખાકીય સુવિધાઓનાં પ્રોજેક્ટો માટે બાંધકામ અને ફંડીંગ કરી રહ્યું છે. રઘુલીલા કેસમાં એમએમઆરડીએએ જણાવ્યું હતું કે આ પ્લૉટ બીલ્ડરને 2008માં લીઝ પર આપવામાં આવ્યો હતો પણ તેણે 2010 સુધી બાંધકામ શરૂ કરવા પરવાનગી માટે પણ અરજી કરી નહોતી.
આની સામે રઘુલીલાએ એવી રજુઆત કરી હતી કે, પર્યાવરણ મંત્રાલય, હાઈરાઈઝ કમિટી અને અન્ય વિભાગો પાસેથી પરવાનગી મળવામાં વિલંબ થયો હતો 
અને ચાર વર્ષની અંદર એમએમઆરડીએએ બાંધકામનાં કહેવાતા વિલંબ માટે કરોડો રૂપિયાનો દંડ અને વધારાનું પ્રીમિયમ વસૂલવાની નોટિસ આપી હતી.
ગત વર્ષે મુંબઈ હાઈ કોર્ટે કહ્યં હું કે એમએમઆરડીએનો આદેશ બિનવ્યવહારુ, અન્યાયી, ભેદભાવ ભરેલો, અધિકાર ક્ષેત્રે બહારનો અને મૂળભૂત અધિકારોનાં ભંગ સમાન હતો.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer