મહારાષ્ટ્ર બોર્ડનું દસમા ધોરણનું રિઝલ્ટ 95.30 ટકા આવ્યું

મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવામાં આવેલી દસમાની પરીક્ષાનું રિઝલ્ટ 95.30 ટકા આવ્યું છે. હંમેશની જેમ આ વરસે પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 94.91 ટકા આવ્યુ છે તો 97.33 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ હોવાનું બોર્ડે જણાવ્યું હતું. તાલુકાની દૃષ્ટિએ જોઇએ તો પનવેલ, મહાડ અને માણગાવ તાલુકા અવ્વલ આવ્યા છે. 
આ વરસે દસમા ધોરણના રિઝલ્ટમાં કોંકણ વિભાગે બાજી મારી છે. કોંકણનું રિઝલ્ટ 98.77 ટકા આવ્યું છે તો ઔરંગાબાદ વિભાગનું સૌથી ઓછું 92 ટકા આવ્યું છે. રાજ્યના જે નવ વિભાગ છે એમાં પુણે 97.34 ટકા, નાગપુર 93.84 ટકા, ઔરંગાબાદ 92 ટકા, મુંબઈ 96.72 ટકા, કોલ્હાપુર 97.64 ટકા, અમરાવતી 95.14 ટકા, નાશિક 92.16 ટકા, લાતુર 93.9 ટકા અને કોંકણનું રિઝલ્ટ સૌથી વધુ 98.77 ટકા આવ્યું છે. 
આ વખતે દસમાની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 15,75,103 હતી. એમાં વિદ્યાર્થિનીઓ 7,34,491 અને વિદ્યાર્થિઓની સંખ્યા 8,40,612 જેટલી હતી. જેમાં પાસ થનાર કુલ વિદ્યાર્થિઓની સંખ્યા 15,01,105 જેટલી છે. 
ગયા વરસની તુલનાએ આ વરસ 18.20 ટકા વધુ વિદ્યાર્થી પાસ થયા છે. તો 8,360 શાળાઓનું રિઝલ્ટ 100 ટકા આવ્યું છે. આ વરસે 1,79,264 રિપીટર્સે પરીક્ષા આપી હતી જેમાંથી 1,35,991 વિદ્યાર્થી પાસ થતાં રિઝલ્ટ 75.86 ટકા આવ્યું હતું. તો દિવ્યાંગોનું રિઝલ્ટ 92.73 ટકા આવ્યું છે. આ વરસે રાજ્યમાં કુલ 242 વિદ્યાર્થીઓએ 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. જેમાં લાતુરની કેશવરાજ વિદ્યાલયના પચીસ તો દેશિકેન્દ્ર સ્કૂલના બાવીસ વિદ્યાર્થીઓએ 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. મુંબઈ વિભાગમાંથી માત્ર બે જણ 100 ટકા માર્ક મેળવવામાં સફળ રહ્યા છે. 
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer