40 ટકા મુંબઈગરા જાતે જ કોરોનામુક્ત થયા તો સરકારે શું કર્યું ? : ભાજપ

40 ટકા મુંબઈગરા જાતે જ કોરોનામુક્ત થયા તો સરકારે શું કર્યું ? : ભાજપ
મુંબઈ, તા. 29 : શહેરમાં ત્રણ વોર્ડમાં થયેલા એન્ટિબોડી સર્વેક્ષણના નિષ્કર્ષ પરથી ભાજપએ મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની જોરદાર ટીકા કરી છે. ``મુંબઈમાં લગભગ 40 ટકા લોકોને કોરોના થઈને તેઓ આપોઆપ સાજા થઇ ગયા હોય તો રાજ્ય સરકારે શું કર્યું?'' એવો સવાલ  વિધાનસભ્ય એડવોકેટ આશિષ શેલારે કર્યો છે. 
મુંબઈ, રાજ્યનું કોરોના હોટસ્પોટ છે અને અહીં દર્દીઓની સંખ્યા એક લાખ કરતાં વધુ છે. કોરોનાનું સંક્રમણ અંકુશમાં આણવા માટે સરકારી યંત્રણાઓ પ્રયત્નશીલ છે. નીતિ આયોગ અને મુંબઈ પાલિકાના ત્રણ વોર્ડના એન્ટિબોડી સર્વેક્ષણમાં ઝૂંપડપટ્ટીમાં 57 ટકા અને ઇમારતોમાં 16 ટકા લોકોને કોરોના થઈને ગયો હોવાનું સ્પષ્ટ થયું છે અને એક ખાનગી લેબોરેટરીના સર્વેક્ષણ મુજબ અત્યાર સુધીમાં લગભગ 25 ટકા લોકોએ સ્વબળે કોરોના પર મ્હાત મેળવી છે. એનો સીધો અર્થ એ કે 40 ટકા મુંબઈગરાને કોરોના થઇ ગયો હતો અને તેમણે સ્વબળે એના પર મ્હાત મેળવી છે. તો રાજ્ય સરકાર અને મહાપાલિકાએ શું કર્યું ? એવો સવાલ શેલારે કર્યો છે.
મુંબઈમાં હાથ ધરાયેલા એક સીરો-સર્વેમાં એવું બહાર આવ્યું છે કે ઝૂંપડપટ્ટીઓમાં ટેસ્ટ કરાયેલા લોકોમાંથી 56 ટકામાં કોરોનાનું સંક્રમણ થયું હતું અને કોરોના સામે તેમનામાં એન્ટિબોડી વિકસી હતી. આની સામે હાઉસિંગ સોસાયટીઓમાં કરાયેલા સર્વેક્ષણમાં માત્ર 16 ટકા રહેવાસીઓમાં જ એન્ટિબોડી વિકસી હતી.
મુંબઈના ત્રણ વૉર્ડમાં મહાપાલિકા દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 6936 જણના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 61 ટકા રહેવાસીઓ ઝૂંપડપટ્ટીના અને 39 ટકા હાઉસિંગ સોસાયટીઓના હતા.
આ સર્વેમાં એવું પણ બહાર આવ્યું હતું કે પુરુષો કરતા વધુ મહિલાઓમાં એન્ટિબોડી તૈયાર થઈ હતી. ઝૂંપડપટ્ટીઓમાં 2297 મહિલાઓનો ટેસ્ટ કરાયો હતો, જેમાંથી 59.3 ટકામાં કોરોના વિરુદ્ધ એન્ટિબોડી તૈયાર થઈ હતી. જ્યારે 1937 પુરુષોમાંથી 53.2 ટકામાં એન્ટિબોડી મળી આવી હતી.
બિન ઝૂંપડપટ્ટી વિસ્તાર એટલે કે હાઉસિંગ સોસાયટીઓમાં 16.8 ટકા મહિલાઓ અને 14.9 ટકા પુરુષોમાં એન્ટિબોડી વિકસી હતી.
આમ છતાં મુંબઈમાં થયેલા આરટી-પીસીઆર ટેસ્ટમાં પુરુષોમાં 55 ટકાને અને મહિલાઓમાં 45 ટકાને કોરોનાનો ચેપ લાગ્યાનું જણાવ્યું હતું.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer