મહારાષ્ટ્ર સરકારને ઉથલાવી શકે એમ ન હોવાથી ભાજપ મૂંઝવણમાં : શિવસેના

મહારાષ્ટ્ર સરકારને ઉથલાવી શકે એમ ન હોવાથી ભાજપ મૂંઝવણમાં : શિવસેના
મુંબઇ, 29 (પીટીઆઈ) : રાજ્યના હિતમાં ભાજપ શિવસેના સાથે હાથ મિલાવવા તૈયાર છે એવા ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલના વિધાનની ઠેકડી ઉડાવતા સત્તાધારી શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનાના માધ્યમથી કહ્યું હતું કે, શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સહિયારી મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવી ન શકાય તેથી ભાજપ `મૂંઝવણ' અનુભવે છે. 
પાટિલનું નિવેદન મહારાષ્ટ્ર માટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના એકલા ચાલોની હાકલનું વિરોધાભાસી હોવાનું મનાય છે. પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પાટીલના વિધાનનો છેદ ઉડાવતા સ્પષ્ટતા કરી હતી કે ભાજપ કે સેના બેમાંથી કોઇ પણ પાર્ટી તરફથી ફરીથી યુતિની કોઈ દરખાસ્ત નથી. 
શિવસેનાએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકાર કોવિડ -19 કટોકટીને સારી રીતે સંભાળી રહી છે, છતાં ભાજપ શાસિત મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા જેવા રાજ્યોમાં પરિસ્થિતિ વિકટ છે. આમાંના મોટા ભાગના રાજ્યોમાં, ભાજપે વિપક્ષની સરકારોને ઉથલાવીને પોતાની સરકાર બનાવી હતી. 
સામનામાં જણાવાયું હતું કે આ રોગચાળા સંબંધી નિષ્ફળતા વડા પ્રધાનના ખાતામાં જ જમા થશે. નડ્ડા, ફડણવીસ અને પાટીલના નિવેદનોથી ભાજપમાં મતભેદો છતાં થયા છે. પરંતુ ભાજપને ભ્રમ ન હોવો જોઇએ કે રાજ્યને ફક્ત ભાજપ જ સારૂં શાસન આપી શકે છે. જો ભાજપનું સંસદીય મંડળ રાજ્યના હિતની રક્ષા માટે શિવસેના સાથે જોડાણ કરવાની ભલામણ કરે છે ... તો કેટલીક સ્પષ્ટતાઓ  કરવી પડશે. અગાઉ પાટિલે એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે, અમે ભવિષ્યમાં કોઈ ચૂંટણી સંયુક્ત રીતે લડીશું નહીં. 
જ્યારે ભાજપના કેટલાક નેતાઓ શિવસેનાની ટીકા કરે છે, ત્યારે જોડાણ કરીને રાજ્યનું હિત કેવી રીતે સેવાઈ શકે છે?  ખરેખર તો ભાજપ મૂંઝવણમાં છે કારણ કે તે પૈસાના જોરે કે વિધાનસભ્યો ખરીદીને ઠાકરે સરકારને ઉથલાવી શકે એમ નથી. 
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer