સુરતની બે કિશોરીએ મંગળથી પૃથ્વી તરફ આવી રહેલો ધૂમકેતુ શોધ્યો

સુરતની બે કિશોરીએ મંગળથી પૃથ્વી તરફ આવી રહેલો ધૂમકેતુ શોધ્યો
રાજેન્દ્ર વોરા તરફથી 
વાશિંગ્ટન, તા. 29 : ભારતની એક સ્પેસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટે તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે સુરતની બે કિશોરવયની વિદ્યાર્થિનીએ મંગળથી પૃથ્વી તરફ આવી રહેલા એક ધૂમકેતુની શોધ કરી છે. 
બંને કિશોરીઓ વૈદેહી વેકરીયા અને રાધિકા લાખાણીએ સ્પેસ ઇન્ડિયા અને અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસા દ્વારા પ્રાયોજિત એક પ્રોજેક્ટમાં ભાગ લીધો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને હવાઈથી ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શન કરાવાય છે. 
વૈદેહી અને રાધિકાએ હવાઈમાં પાન-સ્ટાર્સ ટેલિસ્કોપ દ્વારા લેવાયેલી છબીઓનું વિશ્લેષણ કરવા માટે વિશિષ્ટ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો અને જૂન મહિનામાં આ શોધ કરી હોવાનું સ્પેસ ઇન્ડિયાએ જણાવ્યું હતું. 
એસ્ટરોઇડ કે ધૂમકેતુ જેને એચએલવી 2514 નામ આપવામાં આવ્યું છે, એ ધીમે ધીમે તેની ભ્રમણકક્ષા બદલી રહ્યો છે. હાલમાં એ લાલ ગ્રહ મંગળની નજીક છે અને પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. તે દસ લાખ વર્ષો સુધી પૃથ્વીની નજીક રહેશે નહીં, અને પૃથ્વીથી ચંદ્ર સુધીના 10 ગણા અંતરે દૂર જ રહેશે. 
હાલમાં આ ધૂમકેતુને એમ જ નામ આપી દેવાયું છે. વૈદેહીએ જણાવ્યું હતું કે, હું આગળ જોઉં છું. જ્યારે એસ્ટરોઇડનું નામ આપવાની તક મળશે, વૈદેહીએ ઉમેર્યું હતું કે, તે અવકાશયાત્રી બનવા માંગે છે. 
રાધિકાએ કહ્યું કે તે અભ્યાસમાં સખત મહેનત કરી રહી છે. મારી ઘરે ટીવી પણ નથી, જેથી હું મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. નાસા દ્વારા તેની ભ્રમણકક્ષાની પુષ્ટિ બાદ જ આ ધૂમકેતુનું સત્તાવાર નામકરણ કરવામાં આવશે.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer