ત્રણ જ દિવસમાં સાડા પાંચ કરોડનો ફાળો

ત્રણ જ દિવસમાં સાડા પાંચ કરોડનો ફાળો
રામ મંદિર માટે મોરારિબાપુની અપીલનો પડઘો  
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 29 : મહુવામાં પીથોરિયા હનુમાન મંદિરે ચાલતી માનસ સમરથ કથામાં શ્રી મોરારિબાપુએ અયોધ્યામાં રામ મંદિર  માટે રૂ. પાંચ કરોડનું દાન આપવાની જાહેરાત કરી હતી અને એમણે રૂ. 5 લાખની પ્રસાદી જાહેર કરી શુભ શ્રૃત કરી હતી અને માત્ર ત્રણ જ દિવસમાં રૂ. 5.61 કરોડ એકત્ર થઇ ગયા છે. અને સૌથી મહત્વની વાત એ છે કે, આ ફાળામાં રૂ.1થી માંડી રૂ. 1 કરોડનું દાન સામાન્યથી માંડી શાહુકાર દ્વારા અપાયું છે. તા. 1 ઓગસ્ટ સુધી ફાળો લેવાનાર છે અને હજુ અમેરિકા અને લંડનથી ફાળો આવવો બાકી છે એટલે કુલ રકમ બહુ મોટી થશે એવો અંદાજ છે.
શ્રી મોરારિબાપુએ કહેલું કે, આમ તો કેટલાક લોકો જ રૂ. પાંચ કરોડનો ફાળો આપી શકે પણ આમ આદમી પણ આમાં જોડાય અને એમને ય એમ થાય કે, મંદિરમાં મારી પણ ભાગીદારી છે. બાપુની આ વાતની જબરી અસર થઇ અને ત્રણ જ દિવસમાં 2830 લોકોએ  ફાળો નોંધાવ્યો. ભારતભરમાંથી ફાળો આવ્યો છે. અને એમાં 1000થી ઓછો ફાળો હોય એવા 700થી વધુ લોકો છે. કેટલાક લોકોએ રૂ. 1 આપ્યો છે તો ઉદ્યોગપતિ મદનભાઈ પાલીવાલે રૂ. 1 કરોડનો ફાળો નોંધાવ્યો છે. કોઈએ રૂ. 11, કોઈએ રૂ. 51 તો કોઈએ 101 પણ આપ્યા છે. મુંબઈથી એક જૂથ દ્વારા રૂ. 5 લાખ એકત્ર કરી અપાયા  છે તો ગોરખપુરથી કોઈ જુથે રૂ. 31 લાખ એકત્ર કરી આપ્યા છે.
હજુ 1 ઓગસ્ટ સુધી ફાળો ચાલુ રહેવાનો છે. ફાળો નીચેના એકાઉન્ટમાં જમા કરાવી શકાશે. અતુલ ચાંદ્રા ચેરીટેબલ ટ્રસ્ટ, આઈસીઆઈસીઆઈ એકાઉન્ટ ન. 072801001871, આઈએફએસસી કોડ ICICI0000728, ગોંડલ રોડ બ્રાંચ, રાજકોટ.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer