કોરોના ઇફેક્ટ : ખેલરત્ન અને અર્જુન એવૉર્ડ સમારંભમાં વિલંબ

કોરોના ઇફેક્ટ : ખેલરત્ન અને અર્જુન એવૉર્ડ સમારંભમાં વિલંબ
નવી દિલ્હી, તા.30: કોરોના મહામારીને લીધે આ વર્ષે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર સમારોહમાં એક કે બે મહિનાનો વિલંબ થઇ શકે છે. અંતિમ ફેંસલો રાષ્ટ્રપતિ ભવનના દીશા-નિર્દેશ મળ્યા બાદ લેવામાં આવશે. રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર અંતર્ગત રાષ્ટ્રપતિ દર વર્ષે તા. 29 ઓગસ્ટે ખેલ દિવસ પર રાષ્ટ્રપતિ ભવન ખાતે ખેલરત્ન, અર્જુન, દ્રોણાચાર્ય અને ધ્યાનચંદ એવોર્ડ ખેલાડીઓને એનાયત કરે છે. આ એવોર્ડ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિનના મોકા પર એનાયત કરવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીને લીધે તેમા વિલંબ થઇ શકે છે. જો કે ખેલ મંત્રાલય કે રાષ્ટ્રપતિ ભવન મારફતે હજુ કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. એવું પણ જાણવા મળે છે કે ખેલ મંત્રાયલે ખેલરત્ન અને અર્જુન એવોર્ડની પસંદગી પ્રક્રિયા હજુ શરૂ કરી નથી.
ખેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે સૂચનાનો ઇંતઝાર કરી રહ્યા છીએ. હાલ કોવિડ-19ને લીધે કોઇ પણ પ્રકારના સમારંભના આયોજન પર પ્રતિબંધ છે. લોકોને ભેગા કરવાની છૂટ નથી. આથી આ વખતે 29 ઓગસ્ટે ખેલ પુરસ્કાર વિતરણ સંભવ જણાતું નથી. કોરોનાને લીધે આ વખતે ખેલાડીઓને સ્વયં કોઇ પણ એવોર્ડ માટે નોમિનેશન કરવાની સરકારે છૂટ આપી હતી. 
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer