આઇપીએલની ફાઇનલ આઠને બદલે દસમી નવેમ્બરે ?

આઇપીએલની ફાઇનલ આઠને બદલે દસમી નવેમ્બરે ?
તો ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ અૉસ્ટ્રેલિયાના પ્રવાસ માટે યુએઇથી સીધી ઉડાન ભરવી પડશે
મુંબઈ, તા. 30 : યુએઇમાં રમાનાર આઇપીએલની 13મી સિઝનના ફાઇનલની તારીખમાં ફેરફાર થશે તેવા રિપોર્ટ છે. ફાઇનલ મેચ તા. 8 નવેમ્બરના બદલે 10 નવેમ્બરે રમાશે તેવું જાણવા મળે છે. જેનું કારણ પ્રસારણકર્તા ટીવી ચેનલ સ્ટાર ઈન્ડિયાને દિવાળીના સપ્તાહનો વધુ ઉપયોગ કરવાનો મોકો મળે તે છે. આના પરનો આખરી ફેંસલો આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની તા. 2 ઓગસ્ટે મળનાર બેઠકમાં લેવાશે. જો આઇપીએલનો ફાઇનલ તા. 10 નવેમ્બરે રમાશે તો તેના બે દિવસ પછી જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ઉડાન ભરવાની રહેશે. આથી કદાચ કેટલાક ખેલાડીઓ યૂએઇથી જ સીધા ઓસ્ટ્રેલિયા પહોંચી શકે છે.
આ પહેલા આઇપીએલની તારીખ 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર ઘોષિત કરાઇ હતી. હવે જો બે દિવસ બાદ ફાઇનલ રમાશે તો ટૂર્નામેન્ટ પ1 દિવસના બદલે પ3 દિવસની થશે. સ્ટાર ઇન્ડિયા ફાઇનલના શેડયૂલથી ખુશ નથી. તેઓ દિવાળીના સપ્તાહનો વધુ ને વધુ લાભ લેવા માંગે છે. આથી તેણે બીસીસીઆઇ સમક્ષ તેની આપત્તિ દર્શાવી છે. જો ફાઇનલ મેચ બે દિવસ મોડો રમાશે તો આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલ  રવિવારે રમાશે નહીં, કારણ કે તા. 10 નવે.એ મંગળવાર છે. જો કે આ સમયગાળો દિવાળીની રજાઓને હશે એટલે ટીવી પર લાઈવ મેચ જોનારા લોકો વધુ હશે તેવું સ્ટાર ઇન્ડિયાનું માનવું છે. હવે આઇપીએલની બેઠકમાં આના પર શું નિર્ણય લેવામાં આવે છે તેના પર નજર રહેશે.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer