નાણાં વર્ષ 2019 માટે આઇટી રિટર્નની મુદત 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

બૅન્કમાં લઘુત્તમ બેલેન્સ માટે પહેલી અૉગસ્ટથી નવા નિયમો લાગુ
નવી દિલ્હી , તા. 30 : નાણાં વર્ષ 2018 - 19 માટે આવક વેરા રિટર્ન ભરવાની મુદત કેન્દ્ર સરકારે ફરી એક વાર વધારીને 30 સપ્ટેમ્બર 2020 જાહેર કરી છે.  
વર્ષ 2018 - 19ના વર્ષ માટે મૂળ અને સુધારીત ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે સરકારે આ ત્રીજી વખત મુદત વધારો જાહેર કર્યો છે.  
આવકવેરા વિભાગે આજે એક ટ્વિટ દ્વારા જાહેર કર્યું કે કોવિડ રોગચાળાના કારણે વિવિધ અંકુશો અને કરદાતાઓને કર ભરવામાં અનુકૂળતા રહે તે માટે નાણાં વર્ષ 2018 - 19 અને એકાઉંટિંગ વર્ષ 2019 - 20 માટે આઇટી રિટર્ન માટે અંતિમ તારીખ 31 જુલાઈ 2020થી વધારીને 30 સપ્ટેમ્બર 2020 કરવાનો નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સીસ (સીબીડીટી)એ લીધો છે.  
કરદાતાઓને મૂળ અને સુધારીત આઇટી રિર્ટન ભરવા માટે સરકારે આ ત્રીજી વાર મુદત વધારો જાહેર કર્યો છે.  
ગયા માર્ચ મહિનામાં આઇટી રિટર્ન માટેની અંતિમ તારીખ 31 માર્ચથી લંબાવીને 30 જૂન કરવામાં આવી હતી અને તે પછી તેને ફરી વાર લંબાવીને 31 જુલાઈ કરવામાં આવી હતી, એમ સીબીડીટીના સુત્રીએ જણાવ્યું હતું.  
દરમિયાન 1 ઓગસ્ટથી કેટલીક બેન્કોએ તેમના મિનિમમ બેલેન્સના ધોરણોમાં ફેરફાર જાહેર કર્યા છે. તેમાં મહારાષ્ટ્ર બેન્ક, એક્સીસ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ થાય છે.  
વર્ષ 2019 -20ના વર્ષ માટે આવક વેરા બચત માટે રોકાણ કરવા 31 જુલાઈ અંતિમ તારીખ છે. કર બચતના વિવિધ સાધનોમાં રોકાણ કરી કરદાતા તેમના ટેક્સમાં બચત કરી શકે તે માટે આવતી કાલે છેલ્લો દિવસ છે.  
આ સાથે, ઇ કોમર્સ કંપનીઓ માટે 1 ઓગસ્ટથી નવા ધોરણો લાગુ પડશે. તે અનુસાર ઈ કોમર્સ કંપનીઓએ તેમની વેબ સાઇટ્સ ઉપર વેચાણ અર્થે મુકાયેલો માલ ક્યા દેશમાં તૈયાર થયો છે તેની વિગતો મૂકવાની રહેશે. 
આ સાથે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 10 વર્ષથી ઓછી વય ધરાવતી કન્યા માટે રોકાણ કરવા પોસ્ટ વિભાગે અંતિમ મુદત અગાઉ વધારીને 31 જુલાઈ કરી આપી હતી. હવે તેમાં રોકાણ કરવા માટે આવતીકાલે અંતિમ દિવસ છે.  
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer