કોરોના ઈફેક્ટ : સોનાના દાગીનાની માગ જૂન ત્રિમાસિકમાં 74 ટકા ઘટી : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

કોરોના ઈફેક્ટ : સોનાના દાગીનાની માગ જૂન ત્રિમાસિકમાં 74 ટકા ઘટી : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
રોકાણકારો ગોલ્ડ ઈટીએફ તરફ વધુ આકર્ષિત  
નવી દિલ્હી, તા. 30 :  કોવિડ રોગચાળાના કારણે એપ્રિલ - જૂન ત્રિમાસિક ગાળામાં ભારતમાં સોનાના દાગીનાની માગ 74 ટકા ઘટીને 44 ટન રહી હતી જ્યારે ચીનમાં માગ 33 ટકા ઘટી 90.9 ટન રહી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ(ડબ્લ્યુજીસી)ના આજે જાહેર કરાયેલા એક અહેવાલમાં જણાવાયું છે. 
વિશ્વમાં સોનુ ખરીદતા બે સૌથી મોટા દેશો ચીન અને ભારતમાં માગ ઘટતાં સોનાનાં ઘરેણાની વૈશ્વિક માગમાં એકંદરે 53 ટકાનો ઘટાડો થયો હોવાનું ડબ્લ્યુજીસીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.  
કેલેન્ડર વર્ષ 2020ના પહેલા છ માસિક ગાળામાં સોનાના દાગીનાની વૈશ્વિક માગણી વાર્ષિક ધોરણે 46 ટકા ઘટીને 572 ટન થઈ હતી.  ડબ્લ્યુજીસીનું માનવું છે કે કેલેન્ડર વર્ષના પહેલા છ માસિક ગાળામાં વિશ્વના બે સૌથી મોટા ગ્રાહકો ચીન અને ભારતમાં સોનાના દાગીનાની માગ ઘટતાં વૈશ્વિક માગને મોટા પાયે માઠી અસર પડી છે.  
ગયા માર્ચ મહિનામાં કડક લોકડાઉનના કારણે અક્ષય તૃતીયાના સૌથી મોટા તહેવારે ગ્રાહકો સોનાના ઘરેણાની ખરીદીથી વંચિત રહી ગયા હોવાથી ભારતમાં ગોલ્ડ જવેલરીની માગમાં મોટો ઘટાડો નોંધાયો હતો, એમ ડબ્લ્યુજીસીએ જણાવ્યું છે.  
મેં મહિનામાં લોકડાઉનના નિયમો અમુક સ્થળોએ હળવા થયા બાદ સોનાના ઘરેણાં ખરીદવાની માગ થોડી નીકળી હતી પરંતુ તહેવારો અને લગ્નસરાની ગેરહાજરીના લીધે માગ સિમિત રહી હતી, એમ ડબ્લ્યુજીસીએ જણાવ્યું છે.  
બીજી તરફ, ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધના કારણે ડોલર નબળો પડવાથી સોનામાં વણથંભી તેજી જોવા મળી રહી છે, તે કારણે અતિ ઊંચા ભાવના પગલે ગ્રાહકો નવું સોનુ લેવા આગળ નથી આવી રહ્યા, એમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.  
જોકે, રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના આધારિત ગોલ્ડ ઈટીએફમાં વધુ રોકાણ કરવા આકર્ષિત થયા હોવાથી તેમાં વર્ષના પહેલા છ માસિકમાં વિક્રમી રોકાણ કર્યું છે.  
જૂનના આખરે ગોલ્ડ ઈટીએફમાં 734 ટનના મૂલ્યનું રોકાણ થયું હતું અને તે કારણે વૈશ્વિક હોલ્ડિગ 3,621 ટનના વિક્રમી સ્તરે પહોંચ્યું હોવાનું ડબ્લ્યુજીસીએ તેના અહેવાલમાં કહ્યું છે.  
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer