કાંદિવલી (પશ્ચિમ)ના વપરાશકારને દસ ગણું વીજળી બિલ આવતા પરેશાન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : વિવિધ વીજ કંપનીઓમાં ઊંચા બિલથી મહાનગરના હજારો વપરાશકારો ત્રસ્ત છે. બેસ્ટ, તાતા પાવર, અદાણી અને એમએસઈબીએ જૂન-જુલાઈમાં અનેક ગ્રાહકોને આઠથી દસ ગણાં બિલ પણ મોકલ્યાં છે. ચારથી પાંચ ગણા બિલ તો સામાન્ય છે.
માહિમ (વેસ્ટ)માં રહેતા `બેસ્ટ'ના વપરાશકાર રાજેન્દ્રભાઈ ગાંધીને જુલાઈ મહિનામાં 10,640 રૂપિયાનું લગભગ 9 ગણું વધારે બિલ મળતા તેઓ ચોંકી ગયા હતા. વન બેડ ફલૅટમાં રહેતા ગાંધીએ જણાવ્યું હતું કે માર્ચમાં અમને રૂા. 1440, એપ્રિલમાં રૂા. 1540, મેમાં રૂા. 1400 અને જૂનમાં રૂા. 1550નું બિલ આવ્યું હતું. આમ અમારી બિલની સરેરાશ 1400થી 1600 રૂપિયાની વચ્ચે છે, છતાં જુલાઈમાં 10,640 રૂપિયાનું મોટું બિલ આવ્યું છે. `બેસ્ટે' તેમાં સુધારો કરવા તત્કાળ પગલાં લેવાં જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
કાંદિવલી (વેસ્ટ)માં રહેતા હિતેશભાઈ શાહ અદાણી ઈલેક્ટ્રિસિટીના વપરાશકાર છે. તેમને જૂનમાં રૂા. 22,300 રૂપિયાનું તોતિંગ બિલ આવ્યું હતું. શાહે કહ્યું હતું કે અમને માર્ચમાં રૂા. 2030, એપ્રિલમાં રૂા. 1919, મેમાં રૂા. 1630 અને જૂનમાં લગભગ 10 ગણું બિલ આવ્યું છે, જે અશક્ય છે. કંપનીએ આ બિલમાં તત્કાળ સુધારો કરવો જોઈએ.
દાદરમાં રહેતા `બેસ્ટ'ના વપરાશકાર ભગવાનભાઈ દેવાભાઈ રાવલિયાને જૂનમાં રૂા. 15,000નું બિલ આવતા તેઓ સ્તબ્ધ બની ગયા હતા. તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે અમને રૂા. 5000 આસપાસ બિલ આવે છે, પણ જૂનમાં ત્રણ ગણું બિલ આવ્યું છે.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer