ભાજપના નેતાઓએ મહારાષ્ટ્ર વીજ નિયમન આયોગ સમક્ષ અરજી કરી

તાતિંગ વીજ બિલોની સમીક્ષા કરો 
મુંબઈ, તા. 30 : પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા અને વિધાન પરિષદના સભ્ય નિરંજન દાવખરેએ વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને ફટકારવામાં આવતા તાતિંગ વીજ બિલો વિરૂદ્ધ મહારાષ્ટ્ર વીજ નિયમન આયોગ સમક્ષ એક અરજી કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન વીજ દરોમાં કરાયેલા વધારાને મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કંપની લિમિટેડ તાત્કાલિક ધોરણે પાછો ખેંચે એવી માગણી મહારાષ્ટ્ર વીજ નિયમન કમિશન (એમઈઆરસી) સમક્ષ કરાઇ છે.  
અરજીમાં સોમૈયાએ લોકડાઉન દરમિયાન કમર્શિયલ તેમજ ઘરેલું ગ્રાહકોના તાતિંગ વીજ બીલો તરફ કમિશનનું ધ્યાન દોર્યું છે. ઘણા ગ્રાહકોને સરેરાશ બીલોના નામે ઉંચી રકમના બીલ મોકલવામાં આવ્યા છે. જ્યારે લોકડાઉન દરમિયાન વ્યવસાયો બંધ હતા ત્યારે સેંકડો એકમોને અનેક ગણી રકમના વીજ બિલો ફટકારાયા છે. આવી જ રીતે ઘરેલું ગ્રાહકોને પણ મોટી રકમના ખોટા બિલ મોકલવામાં આવ્યા છે. સામાન્ય માણસ માટે આ વિજળીના મોટા બિલ ચૂકવવું શક્ય નથી. વીજ બીલની ચુકવણી ન કરવાના કારણે વીજ પુરવઠો કાપી લેવાયાના કિસ્સા પણ બન્યા છે. 
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer