ઊંચા વીજળી બિલોથી ત્રસ્ત હજારો ગ્રાહકોને માટે આનંદના સમાચાર

રાજ્ય સરકાર આપશે સબસિડી
મુંબઈ, તા. 30 : રાજ્યની વિવિધ વીજકંપનીઓ દ્વારા જૂન-જુલાઈ મહિનાઓમાં મોકલવામાં આવેલા ઊંચા તોતિંગ વીજળી બિલોથી ત્રસ્ત હજારો વપરાશકારો માટે આનંદના સમાચાર છે. રાજ્ય સરકાર સૌ પ્રથમવાર ડૉમેસ્ટિક વપરાશકારોને રાહતરૂપે સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે અત્યાર સુધી આવી સબસિડી કૃષિ ક્ષેત્ર અને પાવરલૂમ ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવી હતી.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના પ્રધાનોના એક ગ્રુપે એપ્રિલથી જૂન મહિનાના વીજળી બિલોમાં રાહત આપવા માટે યોજના ઘડી કાઢવા બુધવારે રાજ્યના ઊર્જા અને નાણાં ખાતાને જણાવ્યું હતું.
ઇલેક્ટ્રિસિટી કાયદાની કલમ-65 હેઠળ આપનારી આ રાહતની યોજના આવતા સપ્તાહમાં પ્રધાનમંડળની બેઠક મળે એ પહેલાં ઘડી કાઢવા જણાવાયું છે, જેમાં કેટલા ટકાની સબસિડી આપવી અને તેનાથી રાજ્યને કેટલો ખર્ચ થશે તેની વિગતો તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.
કલમ 65 હેઠળ વિદ્યુત નિયંત્રક દ્વારા નક્કી થયેલા વીજ દરમાં કોઈ પણ વર્ગના ગ્રાહકોને રાહત આપવાની જોગવાઈ છે. જે સરકાર લાગુ પાડી શકે છે.
ગત મહિને અને આ મહિને લૉકડાઉનના સમય માટે આવેલા ઊંચા વીજળી બિલો અંગે શહેરમાં મધ્યમવર્ગના વપરાશકારોથી માંડીને બૉલીવુડની સેલિબ્રિટીઓમાં પણ આક્રોશ વ્યાપ્યો હતો. ક્ષતિ ભર્યા મીટર રિડિંગ અને લૉકડાઉનના સમયનાં સરેરાશ પ્રધાનોના ગ્રુપના આ બેઠકમાં પવાર ઉપરાંત ઊર્જાપ્રધાન નીતિન રાઉત, ટ્રાન્સપોર્ટ પ્રધાન અનિલ પરબ વગેરેના સમાવેશ થતો હતો. બેઠકમાં હાજર રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર વર્ષે સબસિડી પર 5000 કરોડ રૂપિયા ખર્ચે છે. હવે ઊર્જા અને નાણાંખાતું સબસિડીના ફોર્મ્યુલા ઘડી કાઢશે. તેમણે કહ્યું હતું કે બેઠકમાં કેટલાક વિકલ્પ વિચારાયા હતા.
એક સર્વમાન્ય વિકલ્પ એ વિચારાયો હતો કે આ વર્ષે ઉનાળાના મહિનાઓમાં આવેલા બિલની રકમ અને ગત વર્ષના ઉનાળાના મહિનાઓમાં આવેલા બિલની રકમ વચ્ચેનો તફાવત સંપૂર્ણ રીતે ગ્રાહકોને પરત કરવો કે તેમના વપરાશ પ્રમાણે અંશત: ચુકવણી કરવી  એ અંગે વિચારાયું હતું. જે લોકો 100 યુનિટ સુધીની વીજળી વાપરે છે. તેમને પૂરો તફાવત ભરપાઈ કરવો. 101થી 300 યુનિટ સુધીના વપરાશકારોને 75 ટકા સબસિડી અને 301થી 500 યુનિટ સુધીના વપરાશ માટે 50 ટકા સબસિડીનો વિકલ્પ વિચારાયો છે.
500થી વધુ યુનિટ વાપરતા વપરાશકારોને કોઈ સબસિડી નહીં ચૂકવાય એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
ઉદાહરણ તરીકે કોઈ ગ્રાહકે 300 યુનિટ વીજ વાપરી હોય અને તેનું બિલ એપ્રિલ 2020માં 1800 રૂપિયા હતું અને એપ્રિલ 2019માં 1200 રૂપિયા હતું તો તેને 450 રૂપિયાની સબસિડી મળી શકે. એવી જ રીતે મે અને જૂનની રકમ પણ નક્કી થઈ શકે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યની ચારે વીજ કંપનીઓ-મહાવિતરણ, અદાણી, તાતા પાવર અને બેસ્ટએ કોરોના મહામારીને પગલે માર્ચથી ફિઝિકલ મીટર રિડિંગ કરવાનું બંધ કરી દીધું હતું. એપ્રિલ અને મે માટેનાં બિલ એ અગાઉના ત્રણ મહિનાની બિલની સરેરાશ પરથી આપવામાં આવ્યા હતા.
દરમિયાન ડૉમેસ્ટિક વપરાશકારોના બિલ ઘટાડવા મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (મર્ક)નો સંપર્ક કરશે. મર્ક તેને મંજૂરી આપશે એ પછી આ પ્રસ્તાવ આવતા સપ્તાહમાં રાજ્યપ્રધાન મંડળની બેઠકમાં પાસ કરાશે. બધા નિર્ણય ખાનગી વીજ વિતરણ કંપનીઓને પણ લાગુ પડશે, એમ ઊર્જાપ્રધાન રાઉતે જણાવ્યું હતું.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer