વેપારીઓની સમસ્યાઓ ઉકેલવા ઘટતું કરવા શરદ પવારની `ફામ''ને ખાતરી

વેપારીઓની સમસ્યાઓ ઉકેલવા ઘટતું કરવા શરદ પવારની `ફામ''ને ખાતરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : ફેડરેશન અૉફ ઍસોસિયેશન અૉફ મહારાષ્ટ્ર (ફામ)નું પ્રતિનિધિ મંડળ આજે રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં પ્રમુખ શરદ પવારને મળ્યું હતું અને શહેરમાં બધી દુકાનો સપ્તાહના સાતે દિવસ તેમ જ સવારે 9 થી રાતે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપવાની માગણી કરી હતી. પવારે આ અંગે ઘટતું કરવાની અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે બે-ત્રણ દિવસમાં મિટિંગ ગોઠવી આપવાની ખાતરી આપી હતી.
`ફામ'ના પ્રમુખ વિનેશ મહોતીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે એવી રજુઆત પણ કરી હતી કે રિટેલ, સેમી હૉલસેલ અને હૉલસેલ વેપારીઓ માટે વિશેષ પૅકેજ વહેલી તકે ઘોષિત કરવામાં આવવું જોઈએ. બૅન્કના વ્યાજદરમાં રાહત આપવામાં આવે હૉટલ-રેસ્ટોરાં બધાને લોકડાઉનનાં સમયની લાઈસન્સ ફી માફ કરવી જોઈએ. લોકલ ટ્રાન્સપોર્ટ જલદીથી શરૂ કરવું જોઈએ. એપીએમસીમાં લાગતો એક ટકો સેસ નાબૂદ કરવો જોઈએ. વેપારીઓને માઈક્રો, સ્મૉલ, મીડિયમ ટ્રેડર્સનો દરજ્જો આપવામાં આવવો જોઈએ. પ્રોફેશનલ ટૅક્સ રદ કરવો જોઈએ.
પ્રતિનિધિમંડળમાં ભૂતપૂર્વ કેબિનેટ પ્રમુખ રાજ પુરોહિત, ફામના સિનિયર ઉપપ્રમુખ જિતેન્દ્ર શાહ, સેક્રેટરી કિશોરભાઈ શાહ, નિલેશભાઈ શાહ અને હિન્દુસ્તાન ચેમ્બરના ગણપતભાઈ કોઠારીનો સમાવેશ થતો હતો. રાજ પુરોહિતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રનાં બધા વેપારીઓ હાલ આર્થિક સંકટમાં છે અને અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહ્યા છે. આથી વેપારીઓની સમસ્યા સૂલઝાવવામાં અગ્રતાક્રમ આપવો જોઈએ.
જિતેન્દ્ર શાહે કહ્યંy હતું કે વેપારીઓની સમસ્યાઓ સાંભળીને પવાર પર એ વાતે સંમત થયા હતા કે આજના સમયમાં વેપારીઓ ખરેખરે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. 
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer